Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

અ સ્યૂટેબલ બોયના કિસિંગ સિન સામે વિરોધનો વંટોળ

કોરોના કાળમાં વેબ સિરિઝનું ભારે ડિમાન્ડ : નેટફ્લિક્સ પર આવતી વેબ સિરિઝને લઈ લોકોમાં ભારે આક્રોશ, ટ્વિટર પર બોયકોટનેટફ્લિક્સ ટોપ ટ્રેન્ડ થયો

નવી દિલ્હી, તા. ૨૩ : કોરોનાકાળમાં સિનેમાગૃહોને તાળા વાગતા મનોરંજનના શોખિનો માટે ઓનલાઈન સ્ટ્રીમિંગ વેબસાઈટની અવનવી સિરિઝ ભારે ડિમાન્ડમાં રહી છે. એથી જ નવી ફિલ્મો પણ હવે ઓનલાઈન પ્લેટફોર્મ પર રિલિઝ કરવામાં આવી રહી છે. ત્યારે ઓનલાઈન પ્લેટફોર્મ પરની કેટલીક વેબ સિરિઝ તેની વાંધાજનક વિષયવસ્તુ, દ્શ્યો અને સંવાદના કારણે વિવાદમાં પણ સપડાતી રહી છે. જેમાં રવિવારે ઓનલાઈન સ્ટ્રીંમિંગ વેબસાઈટ નેટફ્લિક્સનું નામ ઉમેરાયુ છે. તેમજ સોશિયલ મિડિયા ખાસ કરીને ટ્વીટર પર રવિવારે દિવસ દરમિયાન નેટફિલક્સના બરિષ્કારની ઝુંબેશ જારી રહી હતી. કારણ વેબ સિરિઝ અ સ્યૂટેબલ બોયમાં એક મંદિરમાં ચુંબન દશ્યને લઈ લોકોએ નેટફ્લિક્સ પર હલ્લાબોલ કર્યુ છે.

સુત્રોના જણાવ્યા મુજબ નેટફ્લિક્સની સીરીઝ અ સ્યૂટેબલ બોયના એક દ્શ્યમાં એક યુવક અને યુવતી મંદિરના પ્રાંગણમાં ચુંબન કરી રહ્યા છે. તેમજ તેના બેકગ્રાઉન્ડમાં ભજન પણ વાગી રહ્યુ છે. મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, હરિયાણા સહિતના રાજ્યોમાં હાલ લવ જેહાદના મામલે નવો કાયદો બનાવવાની દિશામાં કવાયત ચાલી રહી છે. તેમજ તેને લઈ દેશભરમાં હાલ એક નવી ચર્ચા જામી છે, ત્યારે નેટફ્લિક્સના આ કાર્યક્રમમાં પણ એક હિન્દુ યુવતીને મુસ્લિમ યુવક સાથે પ્રણયફાગ ખેલતી બતાવવામાં આવી છે. એથી જ સોશિયલ મિડિયામાં નેટફ્લિક્સ પર લવ જેહાદને પ્રોત્સાહન પુરુ પાડવાનો આરોપ પણ કેટલાક લોકોએ લગાવ્યો હતો. રવિવારે નમતી બપોર સુધીમાં જ ૮૦ હજારથી વધુ ટ્વીટ સાથે નેટફ્લિક્સના બહિષ્કારવાળો હેશટેગ ભારતમાં ટ્વીટર પર સૌથી ટોચ પર ટ્રેન્ડ કરતો રહ્યો હતો. ગૌરવ તિવારી નામના એક ટ્વિટર યૂઝરના દાવા મુજબ તેમણે આ મામલે મધ્યપ્રદેશના રિવા શહેરમાં પોલીસમાં ફરિયાદ પણ નોંધાવીછે.

આ ઉપરાંત અન્ય કેટલાક ટ્વીટર યૂઝરે પણ મોટીસંખ્યામાં નેટફ્લિક્સની ગુસ્તાખી સામે વિરોધ નોંધાવીને તેને તત્કાળ અનઈન્સ્ટોલ કરવા સૂચના આપતા જોવા મળ્યા હતા. પંજાબ પ્રદેશ ભાજપનાપ્રવકતા અને વ્યવસાયથી વકીલ પ્રશાંત ગોયલે ટ્વીટ કરીને કહ્યુ કે જો કોઈ ઓટીટી પ્લેટફોર્મ જાણી જોઈને હિન્દુ દેવી – દેવતાઓનું અપમાન કરે છે. તો મહેરબાની કરી ઈપીકોની કલમ ૨૯૫(એ)અન્વયે સ્થાનિક કોર્ટમાં અથવા પોલીસમાં ફરિયાદ કરો.

નેટફ્લિક્સના એક કાર્યક્રમમાં વાંધાજનક દ્શ્યોને એક ધર્મ વિશેષની ભાવનાઓને ઠેસ પહોંચાડતા હોવાના ગણાવીને મધ્યપ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો છે. તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ વિવાદાસ્પદ દ્શ્યો અંગે તપાસના આદેશ પણ જારી કર્યા છે. મિશ્રાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક વિડિયો શેયર કરતા કહ્યુ કે એટ ઓટીટી મીડિયા પ્લેટફોર્મ પર એ સ્યૂટેબલ બોય કાર્યક્રમ જારી કરવામાં આવ્યો છે. જેને હું વાંધાજનક માનુ છું. એક મંદિરની અંદર એક વ્યક્તિ ચુંબન જેવા દશ્યો કેમેરામાં કંડારી રહી છે અને પાછળ ભજન જેવો સ્વર સંભળાઈ રહ્યો છે. સતત બે ત્રણ વખત આવુ કરવામા આવ્યુ છે. જે મને લાગે છે કે આ લાગણીઓને ઠેસ પહોંચાડનારુ કૃત્ય છે. મેં રાજ્યના અધિકારીઓને સૂચના આપી છે કે આની તપાસ કરે.

(12:00 am IST)