Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

૨૯-૩૦મીએ દિલ્‍હીમાં ખેડૂતો ઉમટી પડશેઃ મહારેલીનું આયોજન

હક્ક માગવા માટે ખેડૂતો હવે દિલ્‍હીમાં લાખોની સંખ્‍યામાં એકઠા થશેઃ મહારાષ્‍ટ્રમાં માગણીઓ સ્‍વીકારાતા ખેડૂતોમા ઉત્‍સાહના ઘોડાપુરઃ ૨૯મીએ એકઠા થશે અને ૩૦મીએ સંસદ સુધીની કૂચ : ખેડૂતોના પ્રશ્નોની ચર્ચા કરવા ૨૧ દિવસનું સંસદનું ખાસ સત્ર બોલાવવા માગણીઃ ટેકાના ભાવનુ ગતકડુ છેતરપીંડી સમાનઃ દલાલો કમાયાઃ દેવા માફી સહિતની માગણીઓઃ માગણીઓ નહિ સ્‍વીકારાય ત્‍યાં સુધી દિલ્‍હીમાંથી નહી હટવા એલાન

નવી દિલ્‍હી, તા. ૨૪ : હક્ક માગવા માટે ખેડૂતો હવે દિલ્‍હીમાં એકઠા થશે. મહારાષ્‍ટ્રમાં માગણીઓ સ્‍વીકારાયા બાદ દેશભરના ખેડૂતોમાં ભારે ઉત્‍સાહ છે. આ માટે ૨૯ અને ૩૦ નવેમ્‍બરના રોજ ખેડૂતો સંસદ સુધીની માર્ચ કરશે. સમસ્‍યાઓના સમાધાન માટે ખેડૂતો સંસદનું સંયુકત સત્ર બોલાવવાની માંગણી કરશે. ચૂંટણીના માહોલમાં ખેડૂતો પણ આરપારની લડાઈ લડવા સજ્જ થયા છે.

દેશભરમાંથી આવેલા હજારો ખેડૂતો દિલ્‍હીના રામલીલા મેદાનમાં ૨૯મીએ એકઠા થશે અને બીજા દિવસે સંસદ સુધીની કુચ કરશે. તેઓ ખેડૂતોના પ્રશ્નોની ચર્ચા કરવા માટે સંસદના ૩ સપ્તાહના સંયુકત સત્રની માગણી પણ કરશે. અખિલ ભારતીય કિશાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ આ રેલીનુ આયોજન કરવામાં આવ્‍યુ છે. જેમાં દેશભરના ૨૦૦ જેટલા ખેડૂત સંગઠનો સામેલ છે.

સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે દેશભરમાંથી ખેડૂતો દિલ્‍હી આવશે અને રેલીમાં જોડાશે. જેમાં ૧ લાખથી વધુ ખેડૂતો ભાગ લેશે. આયોજકોએ દરેક ગામમાંથી ૨૦ ખેડૂતોને દિલ્‍હી આવવાનું જણાવ્‍યુ છે. ખેડૂતોએ એલાન કર્યુ છે કે, હવે જ્‍યાં સુધી માગણી નહિ સંતોષાઈ ત્‍યાં સુધી દિલ્‍હી છોડવામાં નહિ આવે. ખેડૂતોનું કહેવુ છે કે ટેકાના ભાવનો મામલો છેતરપીંડી સમાન છે. લાભ ખેડૂતોને બદલે દલાલોને મળી રહ્યો છે. ખેડૂતોને પાક વિમો કે કિસાન વિમાનો લાભ મળતો નથી. કૃષિ યંત્ર ખરીદવામાં પણ શોષણ થઈ રહ્યુ છે. કૃષિ પ્રધાન દેશમાં સરકારની નીતિઓ ઉદ્યોગપતિઓ અને વેપારીઓને લાભ પહોંચાડનારી છે.

૩૦ નવેમ્‍બરે દિલ્‍હીમાં ખેડૂતોની રેલી ઐતિહાસિક બની રહેશે. ખેડૂતોની માગણી છે કે દેવા મુકત જાહેર કરવા અને પાકની પડતરથી દોઢ ઘણા ભાવ આપી સરકારી ખરીદીની ગેંરેંટી આપવી જોઈએ. આયોજકોના કહેવા મુજબ ૨૯મીએ સાંજે ૫ વાગ્‍યે ખેડૂતો દિલ્‍હીમાં પ્રવેશ કરશે અને બીજા દિવસે સવારે સંસદ સુધીની કુચ યોજશે. ૩૦મીએ સવારે રેલી જેમાં લાખો ખેડૂતો ભાગ લેશે જ્‍યારે બપોર બાદ તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને આમંત્રણ આપી બોલાવવામાં આવશે કે જેઓ ખેડૂતોની માંગણીઓ પરત્‍વે હકારાત્‍મક છે એમ યોગેન્‍દ્ર યાદવે કહ્યુ છે. યાદવે કહ્યુ છે કે, અમારી માગણી છે કે ખેડૂતોના પ્રશ્નોની ચર્ચા કરવા માટે સંસદનું ૨૧ દિવસનું સત્ર યોજવામાં આવે.

(11:12 am IST)