Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

ICC T-20 વર્લ્ડ કપમાં ભારત-પાક. વચ્ચે મુકાબલો : મેચ પહેલા જ ભારતીય સમર્થકોએ 90 ટકા ટિકિટો ખરીદી લીધી

સ્ટેડિયમમાં ભારતીયોના દબદબો : ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે ICC T-20 વર્લ્ડ કપમાં છઠ્ઠીવાર ટક્કર

મુંબઈ : ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે ICC T-20 વર્લ્ડ કપમાં છઠ્ઠીવાર ટક્કર દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે થવા જઈ રહી છે. તેવામાં બંને ટીમ લાંબાગાળાના બ્રેક પછી ક્રિકેટના મેદાનમાં સામ-સામે આવશે. ઉલ્લેખનીય છે કે સ્ટાર ક્રિકેટર્સથી સજ્જ બંને ટીમો જીત સાથે ટૂર્નામેન્ટનો શુભારંભ કરવા ઈચ્છશે. આ ઐતિહાસિક મેચ પૂર્વે બંને ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર્સ પણ પોત-પોતાના નિવેદનો પણ આપી રહ્યા હતા. વળી વિરાટે પણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાનની ટીમને હળવાશથી ન લેવા ટકોર કરતા આ મેચ બંને ટીમ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમની વિકેટમાં શરૂઆતથી જ બેટર વિસ્ફોટક શોટ રમી શકે એવું સંભવ નથી. આ એક સ્લો પિચ રહેશે અને બેટર્સને મિડલ ઓવરમાં રન કરવા માટે ઘણી મહેનત કરવી પડી શકે છે. જોકે IPLની મેચને જોતા જો કોઇ બેટર આ પિચ પર સેટ થઈ ગયો તો તે હાઈસ્કોરિંગ ટોટલ સુધી ટીમને પહોંચાડી શકે છે. તેવામાં આ પિચ પર 160થી 170 રનનો સ્કોર એક પ્રકારે મેચ વિનિંગ ટોટલ પણ સાબિત થઈ શકે એવું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.

IPL 2021 દરમિયાન દુબઈ ક્રિકેટ સ્ટેડિયમમાં 13 મેચ રમાઈ હતી. આ મેચમાં માત્ર 4 મેચ એવી રહી જેમાં બંને ટીમે 140થી ઓછો સ્કોર કર્યો હતો, જ્યારે અન્ય 9 મેચમાં ટીમનો સ્કોર 145 રનને પાર પહોંચી ગયો હતો. આ પિચ પર IPL ફાઇનલ દરમિયાન ધોની એન્ડ ટીમે 192 રનનો સર્વાધિક સ્કોર કર્યો હતો. જ્યારે સૌથી ઓછો સ્કોર (111 રન) વિરાટ કોહલીની IPL ટીમ RCBએ મુંબઈ વિરૂદ્ધ કર્યો હતો

આ મેચ પૂર્વે ઈન્ડિયન ટીમમાં રોહિત, રાહુલ અને વિરાટનું સ્થાન નક્કી છે. તેવામાં ચોથા નંબર પર કોણ બેટિંગ કરશે એ મુદ્દે ટીમ મેનેજમેન્ટ હજુ મુંઝવણમાં મૂકાઈ શકે છે.

(7:24 pm IST)