Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

આજે T20 World Cup India v Pakistan : વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતની ટીમ પાકિસ્તાન ટીમ સાથે જોરદાર ટક્કર આપશે

આઈસીસી વર્લ્ડ ટી-20 ઇન્ટરનેશનલ રેંકિંગમાં ભારત, ઇંગ્લૅન્ડ પછીના બીજા સ્થાને છે, જ્યારે પાકિસ્તાન ત્રીજા સ્થાને છે

 

મુંબઇ   સંયુક્ત આરબ અમીરાત અને ઓમાનમાં છેલ્લા એક સપ્તાહથી ટી20 વિશ્વકપ ટુર્નામેન્ટ ધૂમ મચાવી રહી છે. તેમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાનની મૅચ તો ફટાકડાના જંગી બૉક્સ જેવી હોય છે.

વિરાટ કોહલીનું આક્રમક નેતૃત્વ ભારતીય ટીમ માટે ઘણી વાર પ્રેરણા બન્યું છે

આઈસીસી વર્લ્ડ ટી-20 ઇન્ટરનેશનલ રેંકિંગમાં ભારત, ઇંગ્લૅન્ડ પછીના બીજા સ્થાને છે, જ્યારે પાકિસ્તાન ત્રીજા સ્થાને છે, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે મૅચ રમાવાની હોય ત્યારે આ રેંકિંગનો ભાગ્યે કોઈ અર્થ હોય છે.

આ બન્ને ટીમોનું રેકિંગ ભલે ગમે તેવું હોય પણ તેમની વચ્ચેની મૅચ હંમેશાં ચરમ રસાકસીભરી જ હોય છે.

આમ પણ ટી-20 ઇન્ટરનેશનલ રેંકિંગમાં તો માત્ર ટીમનું સ્થાન જણાવતી હોય છે. છેલ્લાં બે વર્ષમાં ફ્રન્ટલાઇન ટીમો પૈકીની બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમો ભારતની સરખામણીએ થોડી ઓછી ટી-20 મૅચો રમી છે.

એ સમયગાળામાં ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાના ક્રિકેટરો કસદાર વૈશ્વિક ટી-20 ફ્રેન્ચાઈઝમાં ફૂટી નીકળ્યા છે. તેઓ જીતની સરખામણીએ વધારે મૅચો હાર્યા છે, પણ તેનાથી કોઈ ફરક પડતો નથી. ટી-20 ઇન્ટરનેશનલમાં જીતવા લાયક એકમાત્ર પુરસ્કાર આવતા મહિને આપવામાં આવશે.

ભારતીય ટીમના કિસ્સામાં "વિરાટ માટે વિજય" મિશને આ ટુર્નામેન્ટને સર્વોચ્ચ અગ્રતા આપી છે, કારણ કે વિરાટ કોહલી માટે આ ટુર્નામેન્ટ, કૅપ્ટન તરીકે ભારતીય ટીમનું નેતૃત્વ કરીને તેને વિજેતા બનાવવાની એકમાત્ર તક છે.

32 વર્ષના કોહલીએ ભારત વતી 90 ટી20 મૅચ રમીને 3,159 રન નોંધાવ્યા છે

ભારતીય ક્રિકેટ ટીમ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની રૉયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) ટીમના કપ્તાનપદેથી રાજીનામું આપવાની જાહેરાત વિરાટ કોહલીએ કરી તે પછી તેના પરનું ફૉક્સ સઘન બન્યું છે.

છેલ્લો ટી-20 વર્લ્ડકપ રમાયો તેને પાંચ વર્ષ થયાં. 2016ના એ વર્લ્ડકપમાં કોહલી પ્લેયર ઑફ ટુર્નામેન્ટ બન્યા હતા અને ભારતીય ટીમનું નેતૃત્વ મહેન્દ્રસિંહ ધોનીએ કર્યું હતું. તેમાં ચેમ્પિયન બનેલા વેસ્ટ ઇન્ડીઝ સામે સેમિફાઈનલમાં ભારતીય ટીમ હારી ગઈ હતી.

એ સમયે કોહલી ઉપરાંત રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શામી અને જસપ્રીત બુમરાહનો ટીમનો હિસ્સો હતા.

આ અર્ધો ડઝનથી વધુ ખેલાડીઓ આ વખતે પણ વર્લ્ડકપ રમવાના છે. મહેન્દ્રસિંહ ધોની ભારતીય ટીમના મૅન્ટર એટલે કે માર્ગદર્શક તરીકે કામ કરવાના છે ત્યારે વિશ્વવિજેતા બનવાનું કૌશલ્ય પણ તેમાં ઉમેરાશે એવી આશા છે.

વર્લ્ડકપ કઈ રીતે જીતવા તે ધોની સારી રીતે જાણે છે અને ઇન્ડિયન એક્સપ્રેસ અખબારે ધોનીને કોહલીના 'કૅપ્ટન્સી કોચ'ની ઉપમા ચતુરાઈપૂર્વક આપી છે.

કોહલીના વડપણ હેઠળની ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં કેટલાક ટી-20 કૅપ્ટનો તો પહેલેથી જ છે. તેમાં પાંચ વખત આઈપીએલ જીતી ચૂકેલા રોહિત શર્મા અને કેએલ રાહુલ, રવિચંદ્રન અશ્વિન તથા રિષભ પંતનો સમાવેશ થાય છે.

ભુવનેશ્વરકુમારની ગણતરી પણ કરીએ તો આવા કૅપ્ટનોની કુલ સંખ્યા પાંચ થાય. કૅન વિલિયમસન ઘાયલ થયા ત્યારે ભુવનેશ્વરકુમાર સનરાઇઝર્સ હૈદરાબાદના સ્ટેન્ડ ઇન કૅપ્ટન હતા.

 

(3:12 pm IST)