Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

પત્નીને રૂપિયા ૧.૮૦ લાખમાં વેચનારા કિશોરની ધરપકડ

સોશિયલ મીડિયા પરથી પ્રેમ સબંધ બંધાતા લગ્ન કર્યા હતા : કિશોરે પૈસા વડે મોંઘો સ્માર્ટફોન ખરીદ્યો અને ખૂબ જ ખર્ચો કર્યા બાદ યુવતી કોઈની હોવાનો આરોપ લગાવ્યો

જયપુર, તા.૨૩ : રાજસ્થાનમાં લગ્નના ૨ મહિના બાદ પોતાની પત્નીને ૧ લાખ ૮૦ હજાર રૂપિયાના બદલામાં એક ૫૫ વર્ષીય વ્યક્તિને વેચી દેવાના આરોપસર એક ૧૭ વર્ષયી કિશોરની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કિશોર ઓડિશાના બોલાંગીર જિલ્લાનો રહેવાસી છે.

બેલપાડા થાણા પ્રભારી બુલુ મુંડાએ જણાવ્યું કે, સગીર સોશિયલ મીડિયા દ્વારા એક ૨૪ વર્ષીય યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને બંનેને પ્રેમ થઈ જતાં તેમના પરિવારજનો પરંપરાગત રીતે લગ્ન કરાવી આપવા માટે રાજી થયા હતા.

લગ્નના ૨ મહિના બાદ ઓગષ્ટમાં યુવકે આર્થિક સમસ્યાઓનો હવાલો આપીને પત્નીને રાયપુર જવા માટે અને સાથે ઈંટોના ભઠ્ઠામાં કામ કરવા માટે કહ્યું હતું પરંતુ રાયપુરના બદલે રાજસ્થાનના એક ગામ લઈ ગયો હતો. જોકે નવી નોકરીના થોડા દિવસો બાદ યુવકે પોતાની પત્નીને બારાં જિલ્લાના એક ૫૫ વર્ષીય શખ્સને ૧ લાખ ૮૦ હજાર રૂપિયામાં વેચી દીધી હતી.

ત્યાર બાદ તેણે તે પૈસા વડે મોંઘો સ્માર્ટફોન ખરીદ્યો અને ખાવા પાછળ પણ ખૂબ જ ખર્ચો કર્યો. બાદમાં ઓડિશા જઈને યુવતી કોઈના સાથે ભાગી ગઈ હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે યુવતીના પરિવારજનો તેની વાતથી સહમત નહોતા થયા અને તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસને કોલ રેકોર્ડની તપાસ દરમિયાન કશીક ગરબડ લાગી હતી અને પુછપરછ દરમિયાન સગીરે પોતે પોતાની પત્નીને વેચી દીધી હોવાનું કબૂલ્યું હતું.

યુવતીને શોધવા માટે પોલીસની એક ટીમ બોલાંગીરથી રાજસ્થાન ગઈ હતી. બારા ગામ ખાતે ગ્રામીણોએ પોલીસનો રસ્તો જામ કરી દીધો હતો અને તેઓ યુવતીને પોલીસ સાથે જવા દેવાના મૂડમાં નહોતા. ૫૫ વર્ષીય વ્યક્તિએ પોતે તે યુવતી ખરીદી હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું.

જોકે આખરે પોલીસ યુવતીને બચાવવામાં સફળ રહી હતી અને પુછપરછમાં તેણે ઓડિશા પોતાના માતા-પિતા પાસે પાછા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ તરફ સગીરે કરેલા દાવા પ્રમાણે તેણે પોતાની પત્નીને વેચી નહોતી પરંતુ ૬૦ હજાર રૂપિયામાં ગિરવે મુકી હતી કારણ કે તેને હૃદયની બીમારી છે અને સર્જરી કરાવવાની જરૂર છે. શુક્રવારે સગીરને કોર્ટમાં રજૂ કર્યા બાદ સુધાર ગૃહ મોકલી દેવામાં આવ્યો હતો.

(12:00 am IST)