Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

પંજાબની ઘટના પર કોંગ્રેસના મૌન સામે ભાજપના પ્રહારો

પંજાબમાં છ વર્ષની બાળકી પર રેપ કરીને હત્યા : કેન્દ્રીય મંત્રી જાવડેકરનો પ્રહારઃ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા બેમાંથી એક પણ શા માટે પીડિતના પરિવારને મળવા ન ગયા

નવી દિલ્હી, તા. ૨૪ : પંજાબમાં બિહારના શ્રમિક પરિવારની વર્ષની બાળકી પર કથિત બળાત્કાર અને હત્યાને લઈને ભાજપે સત્તાધારી પક્ષ કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે. ભાજપે કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું કે શા માટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા હજી સુધી પંજાબમાં પીડિતાના પરિવારની મુલાકાત લેવા નથી પહોંચ્યા.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે રાહુલ અને પ્રિયંકા પર આક્ષેપ કર્યો કે તેઓએ ઉત્તર પ્રદેશની ઘટનામાં હાથરસની રાજકીય મુલાકાત લીધી હતી. જાવડેકરે સવાલ કર્યો કે શા માટે રાજસ્થાન અને પંજાબમાં પ્રકારની ઘૃણાસ્પદ ઘટના છતા હજી સુધી કોંગ્રેના બન્ને નેતાઓએ કોઈ નિવેદન કર્યું નથી. કેન્દ્રીય મંત્રીએ આક્ષેપ કર્યો કે નેતાઓ આવા સ્થળે તસવીરો ખેંચાવવાની તક છોડતા નથી.

પંજાબના ટંડામાં બિહારના દલિત પરિવારની વર્ષની બાળક પર બળાત્કાર કરાયો હતો અને બાદમાં તેની હત્યા કરી દેવામાં આવી હતી. કોંગ્રેસ તરફથી અત્યાર સુધીમાં ફક્ત પૂર્વ કેન્દ્રીય મંત્રી વિજય સંપલાએ પીડિતા સાથે વાત કરી હતી. મંત્રીએ વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ સત્તામાં છે તે રાજ્યોમાં તેમને મહિલા વિરુદ્ધ કોઈ અત્યાચાર થતા નથી દેખાતા. રાહુલ, પ્રિયંકા કે કોઈ કોંગ્રેસના નેતા હાલ ત્યાં ગયા નથી અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ પણ કોઈ ટિપ્પણી આપી નથી. બિહાર વિધાનસભા ચૂંટણીમાં આરજેડી અને કોંગ્રેસના ગઠબંધન પર નિશાન સાધતા જાવડેકરે જણાવ્યું કે આરજેડીના નેતા તેજસ્વી યાદવ પણ એવા લોકો સાથે પ્રચાર કરી રહ્યા છે જેઓ મહિલા પર અત્યાચાર સામે ચૂપ રહે છે. પંજાબના ટંડામાં ઘટેલી હિચકારી ઘટનામાં દોષીતો સામે કડક પગલાંની માંગ કેન્દ્રીય મંત્રીએ કરી હતી.

(7:18 pm IST)