Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કોરોના પોઝિટિવ

ફડણવીસે ટ્વીટ કરીને જાણકારી આપી : હું લોકડાઉન બાદથી કામ કરી રહ્યો છું, એવું લાગે કે ભગવાન ઈચ્છે છે કે હું થોડા સમય માટે અટકી જાઉં : મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ

મુંબઈ,તા.૨૪ : મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કોરોના વાયરસ સંક્રમિત થયા છે. કોરોના વાયરસના શરૂઆતના લક્ષણો દેખાયા બાદ દેવેન્દ્ર ફડણવીસે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં શનિવારે તેમનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ દેવેન્દ્ર ફડણવીસ આઈસોલેશનમાં જતા રહ્યા છે. સાથે તેમણે પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને પોતાનો ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. દેવેન્દ્ર ફડણવીસ બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૦માં ભાજપના ચૂંટણી પ્રભારી પણ છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શનિવારે ટ્વીટ કરીને કહ્યું, હું લોકડાઉન બાદથી દરરોજ કામ કરી રહ્યો છું, પરંતુ હવે એવું લાગે છે કે ભગવાન ઈચ્છે છે કે હું થોડા સમય માટે અટકી જાઉં અને રજા લઈ લઉં! તેઓ આગળ લખે છે, હું કોવિડ-૧૯ પોઝિટિવ થઈ ગયો છું અને હવે હું આઈસોલેશનમાં છું. દેવેન્દ્ર ફડણવીસે બીજા ટ્વીટમાં કહ્યું, જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે,

તેમને સલાહ આપવામાં આવે છે કે તેઓ કોવિડ-૧૯ ટેસ્ટ જરૂર કરાવે. ધ્યાન રાખજો, બધા લોકો. મહારાષ્ટ્રમાં એક દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના ૭૩૪૭ નવા કેસ સામે આવ્યા છે. જેનાથી રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને ૧૬,૩૨,૫૪૪ થઈ ગઈ છે. રાજ્યના એક સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યું કે, દિવસમાં રાજ્યમાં કોવિડ-૧૯થી ૧૮૪ વધુ દર્દીઓના મોત થયા છે. સાથે રાજ્યમાં કોરોના મહામારીથી મરનારા મૃતકોની સંખ્યા વધીને ૪૩,૦૧૫ થઈ ગઈ. અધિકારીએ જણાવ્યું કે, ૧૩,૨૪૭ દર્દીઓને સ્વસ્થ થયા બાદ રજા આપી દેવામાં આવી છે. જેનાથી રાજ્યમાં અત્યાર સુધીમાં સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૧૪,૪૫,૧૦૩ થઈ ગઈ છે. રાજ્યમાં હાલ ,૪૩,૯૨૨ દર્દીઓની સારવાર ચાલી રહી છે.

(7:17 pm IST)