Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

હરિયાણા : પરિણામ બાદ સત્તાની ચાવી જેજેપી પાસે

કોઇને બહુમતિ નહી મળે : દુષ્યંત દ્વારા દાવો : દુષ્યંત હવે કિંગ મેકરની ભૂમિકામાં હશે : હેવાલમાં દાવો દાઉની વિરાસતને આગળ વધારવા દુષ્યંત ચૌટાલા તૈયાર

ચંગીગઢ,તા. ૨૪ : હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ હવે સત્તાની ચાવી જનનાયક જનતા પાર્ટીના દુષ્યંત ચૌટાલાની પાસે રહેવાની શક્યતા છે. કારણ કે જે રીતે પ્રવાહ ઉપલબ્ધ થઇ રહ્યા છે તે જોતા રાજ્યમાં કોઇને બહુમતિ મળવાની સંભાવના દેખાઇ રહી નથી. દુષ્યંતે ચૂંટણી પરિણામ આવવાની શરૂઆત થયા બાદ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે હવે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેમાંથી કોઇને બહુમતિ મળનાર નથી. આવી સ્થિતીમાં ત્રિશુંક વિધાનસભા રહેનાર છે. તેમણે કહ્યુ હતુ કે અમારી સીધી લડાઇ ૨૬-૨૭ સીટો પર રહેલી છે. શરૂઆતી પ્રવાહ ઉપલબ્ધ થયા બાદ પોતાની પ્રતિક્રિયામાં તેમણે કહ્યુ હતુ કે અમને લોકોનો પ્રેમ મળી રહ્યો હોવાનુ લાગી રહ્યુ છે. તેમણે કહ્યુ હતુ કે ભાજપ માટે ૭૫ પાર કરવાની યોજના તો ફ્લોપ રહી છે પરંતુ હવે યમુના પાર કરવાની જરૂર છે. દુષ્યંત ચોટાલા જનનાયક જનતા પાર્ટીના પ્રમુખ તરીકે છે. તેઓ ૧૬મી લોકસભામાં હિસારમાંથી ચૂંટાઇ ચુક્યા છે. વર્ષ ૨૦૧૪માં લોકસભા ચૂંટણીમાં ચૌટાલાએ હરિયાણા જનહિત કોંગ્રેસના કુલદીપ પરલ જીત મેળવી હતી.

                    ઇન્ડિયન નેશનલ લોકદળમાંથી કાઢી મુકવામાં આવ્યા બાદ નવમીડિસેમ્બર ૨૦૧૮ના દિવસે તેમની નવી પાર્ટી જનનાયક જનતા પાર્ટીની રચના કરી હતી. ત્યારબાદ પાર્ટીએ સારો દેખાવ કર્યો છે. કોંગ્રેસ પાર્ટીએ દુષ્યતનો સંપર્ક કર્યો હોવાના હેવાલ મળ્યા છે. કોંગ્રેસ અને જેજેપી સાથે મળીને સરકાર બનાવી શકે છે.સત્તાની ચાવી હવે જેજેપી પાસે રહેવાની શક્યતા દેખાઇ રહી છે. દુષ્યંત ચૌટાલાના નામ ઉપર રાજનીતિમાં અનેક રેકોર્ડ રહેલા છે. દુષ્યંત ચૌટાલા સૌથી યુવા સાંસદનો રેકોર્ડ ધરાવે છે. લીમ્કા બુકમાં તેમનું નામ નોંધાઈ ચુક્યું છે. પોતાના દાદાની પાર્ટી આઈએનએલડીમાંથી હકાલપટ્ટી કરાયા બાદ નવી પાર્ટી બનાવી હતી. ગુહાના રેલી બાદ ચૌટાલા પરિવારમાં દરારો પડી હતી. ૧૧ મહિનામાં જેજેપીએ જોરદાર કમાલ કરીને ઇતિહાસ સર્જ્યો છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં જ જેજેપીના નામથી નવી પાર્ટી બનાવી હતી. તેમના પરદાદા અને પૂર્વ નાયબ વડાપ્રધાન ચૌધરી દેવીલાલ તાઉના નામથી લોકપ્રિય હતા. તાઉની વિરાસતના નવા વારિસ તરીકે દુષ્યંત ચૌટાલા ઉભરી આવ્યા છે. ચૂંટણી પહેલા દુષ્યંતની પાર્ટીને વિરોધ પક્ષો હળવાશથી લઇ રહ્યા હતા પરંતુ તેમનો જોરદાર દેખાવ રહ્યો છે.

દુષ્યંત ચૌટાલાની સફર

*   જનનાયક જનતા પાર્ટીના નેતા દુષ્યંત ચૌટાલા કિંગમેકરની ભૂમિકામાં

*   દુષ્યંત ચૌટાલાના નામ પર સૌથી યુવા સાંસદ હોવાનો રેકોર્ડ

*   લીમ્કા બુકમાં નામ દાખલ કરાવી દેવાયું

*   પોતાના દાદાની પાર્ટી આઈએનએલડીથી હકાલપટ્ટી કરાયા બાદ નવી પાર્ટી બનાવી હતી

*   ૧૧ મહિનાના ટૂંકા ગાળામાં જ પાર્ટીએ જોરદાર દેખાવ કર્યો

*   દેવીલાલની વિરાસતને આગળ વધારવા માટે તૈયાર

*   ૨૦૧૪ લોકસભાની ચૂંટણીમાં પણ કુલદીપ બિશ્નોઈ પર જીત મેળવી હતી

(7:59 pm IST)