Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

Paytm કેસ : બોસને છેતરનારી સોનિયા ધવનની વાર્ષિક સેલેરી ૭૦ લાખની

અધધ... જેટલો પગાર અને અન્ય સુવિધા છતાં કર્યું આવું : હવે જેલમાં છે સોનિયા

નવી દિલ્હી તા. ૨૪ : ડિજિટલ ટ્રાન્ઝેકશનની અગ્રણી ઈ વોલેટ કંપની Paytmના જ વાઇસ પ્રેસિડેન્ટ દ્વારા ડેટા ચોરી અને કંપનીના ફાઉન્ડર તેમજ CEO પાસેથી રૂ. ૩૦ કરોડની માગણી માટે બ્લેકમેઇલિંગનો કિસ્સો સામે આવતા સમગ્ર કોર્પોરેટ જગતમાં ચકચાર મચી ગઈ છે. પોતાના બોસની જ બ્લેકમેઇલ કરીને રૂ. ૩૦ કરોડની ખંડણી માગવાના કિસ્સામાં ધરપકડ કરવામાં આવેલ તેમની સેક્રેટરી અને કંપનીમાં કોમ્યુનિકેશન વિભાગની વાઈસ પ્રેસિડેન્ટ સોનિયા ધવન પાસે કંઈ નહોતું તેવું નથઈ. કંપનીમાં તેનો મોભો, મોટું સેલેરી પેકેજ, કરોડો રુપિયાના કંપનીના શેર અને માલિકની સૌથી નજીક કામ કરવાનો મોકો આ બધું જ તેની પાસે હતું. ફકત ૮ જ વર્ષમાં સોનિયાની સેલેરી ૭ લાખથી વધીને ૭૦ લાખ થઈ ગઈ હતી.

ચોરી પછી જયારે Paytm ફાઉન્ડર પાસે ખંડણી માટે તેના સાગરીતે કોલ કર્યો તો ધવને પોતાના બોસ વિજયને આ રૂપિયા આપી દેવા માટે સલાહ આપી. પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, 'સતત ખંડણીની રકમ આપી દેવા માટે કહેતી ધવનના વ્યવહારને લઈને શર્માને તેના પર શંકા ગઈ હતી.' જોકે શર્માએ પોલીસનો સંપર્ક સાધીને ખૂબ જ ધીરજ પૂર્વક અને ગુપ્ત રીતે સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કરવામાં પોલીસને મદદ કરી હતી. જે બાદ ધવન તેનો પતિ રૂપક જૈન અને અન્ય એક એમ્પ્લોયી દેવેન્દ્ર કુમારની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રિપુટીએ શર્માનો પર્સનલ ડેટા લીક કરી દેવાની  ધમકી આપીને રૂ. ૩૦ કરોડની ખંડણી માંગી હતી.

તપાસ અધિકારીએ કહ્યું કે, 'ધવન અંદરથી ઘરના ભેદીની જેમ કામ કરતી હતી. ખંડણી માગનાર કોલકતામાં હતો પણ ધવન અહીંથી તેને કંટ્રોલ કરતી હતી. તે બંને પક્ષોના સંપર્કમાં હતી અને શર્માને કહેતી હતી કે હાલ પેમેન્ટ કરી દો શું ખબર કે કેવો અને કેટલો અંગત ડેટા તેમની પાસે હોય.' ધરપકડ બાદ કોર્ટમાં હાજર કરવામાં આવતા કોર્ટે ત્રણેય આરોપીઓને ૧૪ દિવસ માટે રિમાન્ડ પર મોકલી આપ્યા છે. તપાસમાં પોલીસને આરોપીઓ પાસેથી પર્સનલ ડેટા અને કંપનીના ગુપ્ત દસ્તાવાજોની સમગ્ર માહિતી ધરાવતી હાર્ડડિસ્ક તેમજ પેનડ્રાઇવ મળઈ છે. મહત્વપૂર્ણ તો એ છે કે ધવનનું વાર્ષિક પેકેજ રૂ. ૭૦ લાખનું હતું જયારે કંપનીમાં તેની પાસે રુ.૧૦ કરોડના શેર્સ પણ હતા.(૨૧.૨૩)

(3:33 pm IST)