Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

CBI વિવાદ : SIT કરશે મામલાની તપાસ : સરકારે તોડયુ મૌન

અરૂણ જેટલી - રવિશંકર પ્રસાદે સીબીઆઇ મુદ્દે મીડિયાને સંબોધન કર્યું : વિપક્ષના આરોપોને ફગાવ્યા

નવી દિલ્હી તા. ૨૪ : દેશમાં થઈ રહેલી સીબીઆઈ વિવાદ પછી કેન્દ્ર સરકારે પહેલી વખત આ વિશે મીડિયા સાથે વાત કરી છે. આજે નાણા પ્રધાન અરુણ જેટલી અને સૂચના પ્રસારણ મંત્રી રવિ શંકર પ્રસાદે સીબીઆઈ મુદ્દે મીડિયા સાથે વાત કરી હતી. બ્રીફિંગ દરમિયાન અરૂણ જેટલીએ કહ્યું કે, સીબીઆઈ દેશની પ્રતિષ્ઠિત સંસ્થા છે. તેની ગરીમા જળવાઈ રહે તે માટે સરકાર પૂરતાં પ્રયત્નો કરી રહી છે. હાલ સીબીઆઈમાં વિચિત્ર અને દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ ઉભી થઈ છે. બે વરિષ્ઠ અધિકારીઓ સામે સવાલ ઉભા થયા છે. ડિરેકટરે અને એડિશનલ ડિરેકટરે એકબીજા પર આરોપ લગાવ્યા છે. આ તપાસ કોણ કરશે તે હવે સરકાર સામે પણ સવાલ છે. જોકે આ કેસ સરકારના અધિકાર ક્ષેત્રમાં નથી આવતો. તેથી સરકાર આ કેસની તપાસ કરશે નહીં. સરકાર માત્ર આ કેસમાં સુપરવિઝન જ કરી શકે છે. સીબીઆઈ વિવાદ મામલે વિપક્ષ દ્વારા સરકાર ઉપર પણ આકરાં પ્રહાર કરવામાં આવ્યા છે. જોકે મીડિયા બ્રીફિંગમાં સરકારે આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

અરૂણ જેટલીએ કહ્યું કે, આ મામલે સરકાર માત્ર સુપરવીઝન કરી શકે છે. મંગળવારે સીવસીએ જણાવ્યું કે, બંને અધિકારી આ આરોપોની તપાસ ન કરી શકે અને તેમના નેતૃત્વમાં તપાસ કરવી પણ મુશ્કેલ છે. તેથી જયાં સુધી આ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી આ બંને અધિકારીઓને કામથી મુકત કરી દેવા જોઈએ. આ તપાસ હવે સ્પેશિયલ ઈન્વેસ્ચિગેશન ટીમને સોંપવામાં આવે છે. અને જયાં સુધી એસઆઈટી તપાસ પૂરી નહીં કરી લે ત્યાં સુધી આ બંને અધિકારીઓને સીબીઆઈથી અલગ રાખવામાં આવશે.

જેટલીએ કહ્યું કે, અમે સીબીઆઈના કોઈ અધિકારીઓને દોષિત નથી માનતા. કાયદા પ્રમાણે જયાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી અધિકારીઓને બહાર મોકલી દેવામાં આવ્યા છે. જો તપાસમાં તેમના આરોપો સાબીત ન થાય તો તેઓ તેમના કાર્યભાર પાછો સંભાળી શકે છે. પરંતુ નિષ્પક્ષ તપાસ થાય તે માટે જરૂરી હતું કે, તપાસના સમયગાળામાં તે અધિકારીઓને સીબીઆઈની બહાર રાખવામાં આવે.

જેટલીએ કહ્યું કે, સીવીસી સુપરવાઈઝર ઓથોરિટી છે અને તે એસઆઈટીનું ગઠન કરે છે. સરકારની આ કેસમાં કોઈ ભૂમિકા નથી અને સરકાર આ કેસમાં કોઈ ભૂમિકા નીભાવશે પણ નહીં. જેટલીએ જણાવ્યું કે, મંગળવારે સીવીસીની મીટિંગ થઈ અને બુધવારે સરકારે આ નિર્ણય કર્યો. તેથી સરકારની ભૂમિકા સામે સવાલ કરવા ખોટી વાત છે.

રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, કેન્દ્રીય કેબિનેટના ઉત્તર પ્રદેશના ખગીલા પાસે બ્રોડ ગેજ લાઈનને મંજૂરી આપી છે. બહરાઈચ, બલરામપુર, શ્રાવસ્તીથી પસાર થતી આ લાઈનને મોટી કનેકટીવિટી મળશે. રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, ૧૯૯૮માં બનેલા એકટમાં હાલની સરકારે મોટા ફેરફાર કર્યા છે. કેન્દ્ર સરકારે એડ્જૂડિકેટિંગ ઓથોરિટીની નિયુકતી પર મોટો નિર્ણય લીધો છે.

આ સિવાય રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, સાઉથ કોરિયાએ વડાપ્રધાનને સિયોલ પીસ અવોર્ડ એનાયત કર્યો છે. પીએમને આ અવોર્ડ અર્થવ્યવસ્થાના ક્ષેત્રે નોટબંધી અને જીએસટી જેવા મુદ્દે નિર્ણય લેવા માટે આપવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, સીબીઆઈમાં ચાલી રહેલાં વિવાદ દરમિયાન રાતોરાત જે અગ્રણી અધિકારીઓને રજા પર મોકલી દેવામાં આવ્યા છે તે ખૂબ આશ્ચર્ય જનક છે.(૨૧.૨૭)

(3:29 pm IST)