Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

બેન્કોમાં NPAની આવડી મોટી સમસ્યા સર્જાઇ ત્યારે રિઝર્વ બેન્ક શું કરી રહી હતી?: કેગે ઉઠાવ્યો સવાલ

નવી દિલ્હી તા.૨૪: બેન્કોમાં આવડા મોટા પ્રમાણમાં NPA બની ગઇ ત્યારે નિયમનકાર તરીકે રિઝર્વ બેન્ક શું કરી રહી હતી એવો સવાલ દેશના કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG-કેગ) એ ઊભો કર્યો છે.

સરકારી આંકડાઓ મુજબ બેન્કોની NPAનું પ્રમાણ ગયા નાણાકીય વર્ષના અંતે ૯.૬૧ લાખ કરોડ રૂપિયા થઇ ગયું હતું.

કેગન રાજીવ મહર્ષિએ નવી દિલ્હીમાં એક કાર્યક્રમ પ્રસંગે કહ્યું હતું કે 'બેન્કોમાં સર્જાયેલી કટોકટી માટે બધા કહે છે કે તેમને વધુ મૂડી આપવાથી સમસ્યાનો ઉકેલ આવશે, પરંતુ બીજા શબ્દોમાં કહીએ તો એ સબસિડી જ છે. આમ છતાં રિઝર્વ બેંક ખરેખર શું કરી રહી હતી એવો સવાલ કોઇ પૂછતું નથી. એની શું જવાબદારી છે એવો સવાલ કોઇએ ઉઠાવ્યો નથી.'

તેમણે વધુમાં કહ્યું હતું કે 'ભારતમાં બોન્ડ માર્કેટનો વિકાસ થયો ન હોવાથી બેન્કોએ મજબૂરીથી લાંબા ગાળાના ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ્સ માટે નાણાં ધીરવા પડે છે. એ પ્રોજેકટ્સમાં કોઇ અવરોધ આવે ત્યારે એની મુશ્કેલીઓની આગ બેન્કોને દઝાડેે છે.'

બેન્કોમાં ગેરવ્યવસ્થા છે અને સાથે-સાથે જાહેર નાણાંની ચોરી પણ થઇ છે. આ બધાને લીધી બેન્કિંગ ક્ષેત્રમાં ગરબડ સર્જાઇ છે. આ સમસ્યાને સમજવા માટે હજી ઊંડા ઊતરવાની જરૂર છે. જો બેન્કો આડેધડ ધિરાણ આપવા લાગી હતી તો નિયમનકાર તરીકે રિઝર્વ બેન્ક શું કર રહી હતી? આ કટોકીટ માટે રિઝર્વ બેંન્ક જવાબદાર છે કે નહીં એ વિષયે કોઇ ચર્ચા કરતું નથી.(૧.૫)

 

(9:47 am IST)