Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

ગૃહમંત્રી અમિતભાઇ શાહે કહ્યું - નીતીશ કુમાર માટે ભાજપમાં પાછા ફરવાના તમામ રસ્તા બંધ

કેન્દ્રીય ગૃહમંત્રીના બે દિવસના બિહાર પ્રવાસથી પ્રદેશના રાજકારણમાં ગરમાવો: ભાજપના નેતાઓ અને કાર્યકરોને લોકસભા અને વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને કમર કસવાનું આહવાન કર્યું

નવી દિલ્હી :કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના બે દિવસના બિહાર પ્રવાસથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.પૂર્ણિયામાં એક મોટી રેલીને સંબોધિત કરતી વખતે અમિતભાઈ  શાહે ભાજપના નેતાઓ અને કાર્યકરોને લોકસભા અને વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને કમર કસવાનું આહવાન કર્યું હતું જ્યારે કિશનગંજમાં તેમણે સામાન્ય નેતાઓ અને કાર્યકરો સાથે વાતચીત કરી અને બિહારના રાજકીય મુદ્દાઓની ચર્ચા કરી અને જમીની હકીકત જાણી હતી.

ભાજપના ધારાસભ્યો-સાંસદો સાથેની બેઠક બાદ અમિતભાઈ શાહે પત્રકારો સાથે અનૌપચારિક વાતચીત કરી હતી. આ દરમિયાન પત્રકારો તેમની પાસેથી એ જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે, બિહારમાં ભાજપનો મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે? આ અંગે અમિતભાઈ શાહે કહ્યું કે, હાલ ભાજપની નજર 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી પર છે. બિહારમાં ભાજપને ઓછામાં ઓછી 32 બેઠકો જીતવાની અપેક્ષા છે અને તે મિશનને પૂર્ણ કરવા માટે ભાજપે કામે લાગી ગઈ છે.

અમિતભાઈ  શાહે આગળ કહ્યું કે, ભાજપના મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે તેની ઘોષણા લોકસભા ચૂંટણી બાદ થશે અને તેમની જ આગેવાનીમાં ચૂંટણી લડવામાં આવશે. અમને પૂરી આશા છે કે, બિહારમાં ભાજપ પોતાના પગ પર બહુમતની સરકાર બનાવશે. તેના માટે અમને કોઈ ઉતાવળ નથી. હાલમાં અમારું પુરુ ફોકસ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પર છે.

અમિતભાઈ  શાહે લાલુ યાદવ અને નીતીશ કુમાર પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, નીતિશ કુમાર અને લાલુ યાદવ બંને બિહારને ગેરમાર્ગે દોરે છે. નીતીશ કુમારની વડાપ્રધાન પદની રેસના સવાલ પર તેમણે કહ્યું કે નીતીશ કુમાર વડાપ્રધાન પદની રેસમાં ક્યાંય નથી. આ સાથે જ તેમણે એ પણ કહ્યું કે, નીતીશ કુમાર લોકસભા ચૂંટણી પણ ક્યાંયથી નહીં લડશે. જો કોઈ વિપક્ષના ઉમેદવાર છે તો તે રાહુલ ગાંધી જ હશે.

નીતિશ કુમારના ફરીથી ભાજપમાં જોડાવાના સવાલ પર અમિતભાઈ  શાહે કહ્યું કે, હવે નીતીશ કુમાર માટે ભાજપમાં પાછા ફરવાના તમામ રસ્તા બંધ થઈ ગયા છે. નીતિશ કુમારે ખુદ ભાજપનો સાથ છોડી દીધો છે. હવે પાછા આવવા માટે કંઈ બાકી છે? અમે છેલ્લી વખત આરજેડી છોડી ને આવ્યા તે સમજી શકાય તેવું હતું પરંતુ અમને છોડીને જવું નથી સમજાયું.

અમિતભાઈ  શાહે પત્રકારોને અન્ય રાજ્યોની જેમ બિહારમાં પણ ભારતીય જનતા પાર્ટી મજબૂત ન થઈ શકી તેનું કારણ પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, બિહારમાં પાર્ટી એટલા માટે ગ્રોથ ન કરી શકી કારણ કે, અમે હંમેશા ગઠબંધનના મોહમાં હતા. હવે જ્યાં અમારા માટે પડકાર છે ત્યાં એક મોટી તક પણ છે કે, બિહારમાં ભાજપ એકલા હાથે સત્તામાં આવે. અમે અમારા કાર્યકર્તાઓની ઈમાનદારી અને પ્રતિબદ્ધતા સાથે ચોક્કસપણે આ હાંસલ કરીશું

(12:13 am IST)