Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

અજય દેવગન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ

અજય દેવગનની ફિલ્મ થેંકગોડમાં ભગવાન ચિત્રગુપ્તના પાત્રને કથિત રીતે દર્શાવવાને કારણે અખિલ ભારતીય કાયસ્થ મહાસભા ખફા : ઉત્તર પ્રદેશના ઇટાવામાં સિવિલ લાઇન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો

મુંબઈ : ભગવાન ચિત્રગુપ્તના પાત્રને ફની રીતે દર્શાવવા બદલ એક્ટર અજય દેવગન સહિત ઘણા લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. અજય દેવગનની ફિલ્મ થેંકગોડમાં  ભગવાન ચિત્રગુપ્તના પાત્રને કથિત રીતે દર્શાવવાને કારણે અખિલ ભારતીય કાયસ્થ મહાસભા ગુસ્સે થઈ છે. ઉત્તર પ્રદેશના ઇટાવાના સિવિલ લાઇન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. અખિલ ભારતીય કાયસ્થ મહાસભાના ઈટાવા એકમના પ્રમુખ નરેન્દ્ર રાયજાદાએ ઓનલાઈન એફઆઈઆર નોંધાવી છે. નરેન્દ્ર રાયજાદાની ફરિયાદ પર એક્ટર અજય દેવગન સહિત ઘણા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. રાયઝાદા કહે છે કે ફિલ્મ થેંકગોડમાં ભગવાન ચિત્રગુપ્તને વિદૂષક તરીકે દર્શાવતા અભદ્ર અને અપમાનજનક ભાષાના પ્રયોગ કરવા પર નારાજગી વ્યક્ત કરતો કેસ કાયસ્થ મહાસભાએ દાખલ કર્યો છે.

એફઆઈઆરમાં ફિલ્મના નિર્દેશક ઈન્દ્ર કુમાર, નિર્માતા આનંદ પંડિત, ભૂષણ કુમાર, અશોક ઠાકરિયા, કૃષ્ણ કુમાર, સુનીલ ખેત્રપાલ, એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા, એક્ટર અજય દેવગન, એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ફિલ્મના પ્રદર્શન પર પ્રતિબંધ મૂકીને ભગવાન ચિત્રગુપ્તનું અપમાન કરનારાઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

આ પહેલા જૌનપુરમાં એક્ટર અજય દેવગન સહિત 3 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ચિત્રગુપ્ત મહારાજની મજાક ઉડાવતા વાંધાજનક ટિપ્પણી કરવાના કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. એડિશનલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ મોનિકા મિશ્રાએ ફિલ્મ એક્ટર અજય દેવગન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને નિર્દેશક ઈન્દર કુમાર વિરુદ્ધ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા સહિત અન્ય કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી છે. કોર્ટે ફરિયાદી હિમાંશુ શ્રીવાસ્તવ એડવોકેટના નિવેદન માટે 18 નવેમ્બરની તારીખ નક્કી કરી છે. ફિલ્મના ટ્રેલર સામે વાંધો ઉઠાવવાને લઈને ફિલ્મ એક્ટર અજય દેવગન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને નિર્દેશક ઈન્દર કુમાર વિરુદ્ધ જૌનપુરની સિવિલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

(8:39 pm IST)