Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

કોંગ્રેસને નવા અધ્યક્ષ મળશે :135 વર્ષ જૂની પાર્ટીની કઈ રીતે થશે અધ્યક્ષની ચૂંટણી ?:શું છે સમગ્ર પ્રક્રિયા

છેલ્લા 23 વર્ષમાં પ્રથમવાર ગાંધી પરિવાર બહારનો કોઈ સભ્ય બની શકે અધ્યક્ષ :આગામી 17 ઓક્ટોબરે કોંગ્રેસમાં નવા અધ્યક્ષ માટે મતદાન :પરિણામ 19 ઓક્ટોબરે જાહેર કરાશે

નવી દિલ્હી : આગામી મહિનામાં કોંગ્રેસને નવા અધ્યક્ષ મળશે ,છેલ્લા 23 વર્ષમાં એવું પ્રથમ વખત બનશે કે, જ્યારે ગાંધી પરિવારથી બહારનો કોઈ સભ્ય કોંગ્રેસ અધ્યક્ષ બની શકે છે,  17 ઓક્ટોબરે કોંગ્રેસમાં નવા અધ્યક્ષ માટે મતદાન થશે. તેના પરિણામ 19 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. આ ચૂંટણીમાં એક તરફ શશી થરૂર છે, જે ત્રિવેંદ્રમથી સાંસદ છે, તેમને જાહેરાત કરી દીધી છે કે તેઓ અધ્યક્ષ પદની ચૂંટણી લડશે. બીજી તરફ રાજસ્થાનના મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા અશોક ગહેલોત છે.

આ વચ્ચે થરૂર સહિત પાંચ સાંસદોએ મતદાતાઓ?ઈલેક્ટોરલ રોલને સાર્વજનિક કરવાની અપીલ કરી છે. તો એક પાર્ટી જે પાછલા 135 વર્ષથી હિન્દુસ્તાનની રાજનીતિમાં સક્રિય છે, તેના અધ્યક્ષની ચૂંટણી કેવી રીતે થશે? શું કોંગ્રેસને ચૂંટણી શરૂ થાય તે પહેલા પણ કોઈ અધ્યક્ષ મળી શકે છે? આ બધા જ પ્રશ્નોના જવાબ તમને આ એક્સપ્લેનરમાં મળશે.

 

કોંગ્રેસ પાર્ટીનો વહીવટ “ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નિયમો અને બંધારણ” નામની નિયમલી દ્વારા ચાલે છે. આ નિયામલીના અનુચ્છેદ 18માં અધ્યક્ષ પદની ચૂંટણી સંબંધી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ચૂંટણી માટે રિટર્નિંગ અધિકારી (તે વ્યક્તિ જે સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા પર દેખરેખ રાખે છે), સેન્ટ્રલ ઈલેક્શન ઓથોરિટી (સીઈએ)ના અધ્યક્ષ હશે. અહીં કોંગ્રેસ સીઈએના અધ્યક્ષ મધુસૂદન મિસ્ત્રી છે. હવે આ નિયામલીનો અનુચ્છેદ 3 પાર્ટીને આ ઉપ-સમિતિઓમાં વહેંચે છે:

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ

કાર્યકારી સમિતિ

પ્રદેશ કોંગ્રેસ સમિતિ

જિલ્લા કોંગ્રેસ સમિતિ

ઉપ સમિતિયા, જેવી રીતે બ્લોક અથવા વિધાનસભા કોંગ્રેસ સમિતિઓ

અનુચ્છેદ 18 કહે છે કે કોંગ્રેસની રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રદેશ કોંગ્રેસ સમિતિઓ (પીસીસી)ના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવે છે.

તો પ્રદેશ કોંગ્રેસ સમિતિઓમાં જે પ્રતિનિધિઓ હોય છે, તે બ્લોક સમિતિઓનું પ્રતિનિધિ હોય છે. દરેક બ્લોકથી એક પ્રતિનિધિની પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી કરવામાં આવે છે. આ બ્લોક પ્રતિનિધિઓ રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષની પસંદગી કરે છે.

 

જો અધ્યક્ષ પદ માટે બે લોકો ઉભા હોય તો આ પ્રતિનિધિઓને સીક્રેટ બેલેટ દ્વારા એક પક્ષમાં મતદાન કરવું પડશે.

જો અધ્યક્ષ પદ માટે માત્ર એક જ ઉમેદવાર ઉભો હોય તો તેને સ્વભાવિક રીતે આગામી સત્ર માટે અધ્યક્ષ તરીકે ચૂંટી લેવામાં આવે છે. આ બાબતનો ઉલ્લેખ પણ અનુચ્છેદ 18માં જ છે.

2થી વધારે ઉમેદવાર ઉભા હોય છે ત્યારે બધા મતદાતાઓને પોતાના મતપત્રમાં એક અને બે નંબર નોંધીને, બે વિકલ્પ પસંદ કરવા પડે છે. જો કોઈ પ્રતિનિધિએ બે વિકલ્પ પસંદ કર્યા નહીં તો તેનો મતપત્ર બેકાર અથવા ગેરકાયદેસર માનવામાં આવશે.

કોઈ પણ 10 પ્રતિનિધિ મળીને પોતાના વચ્ચેના કોઈ વ્યક્તિને અધ્યક્ષ માટે ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી શકે છે.

તો આ પ્રતિનિધિઓ અથવા ડેલિગેટ્સના ઈલેક્ટોરલ રોલને સાર્વજનિક કરવાની માંગ શશિ થરૂર, કાર્તિ ચિદમ્બરમ, પ્રદ્યુત બોરદોલોઈ, મનીષ તિવારી અને અબ્દુલ લતીફે સપ્ટેમ્બર 2022માં કરી હતી.

ક્યારે મળશે કોંગ્રેસને નવા અધ્યક્ષ?

સીઈએ અનુસાર, અધ્યક્ષ પદ માટે નામાંકનની અંતિમ તારીખ 24 સપ્ટેમ્બર છે. તે પછી રિટર્નિંગ અધિકારી મધુસૂદન મિસ્ત્રી ઉમેદવારોના નામની જાહેરાત કરશે અને તેમને સાત દિવસનો સમય આપશે, જેમાં જો કોઈ ઉમેદવાર ઈચ્છે તો પોતાનો દાવો પરત ખેંચી શકે છે. તે પછી ફરીથી ઉમેદવારોની અંતિમ લિસ્ટ જાહેર કરવામાં આવે છે.

જ્યારે એક વખત આ સંપૂર્ણ પ્રક્રિયા ખત્મ થઈ જાય છે તો કોંગ્રેસ કાર્યસમિતિ મતદાનની તારીખની જાહેરાત કરે છે. આ તારીખ સામાન્ય રીતે અંતિમ લિસ્ટ આવ્યાના સાત દિવસ પછીની હોય છે.

હાલમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીએ મતદાનની તારીખ 17 ઓક્ટોબર નક્કી કરી છે, જેના પરિણામ 19 ઓક્ટોબરે આવશે.

1885માં સ્થપાયેલી કોંગ્રેસે આ 135 વર્ષમાં 97 વખત તેના અધ્યક્ષની પસંદગી કરી છે અથવા તેની નિમણૂક કરી છે. કોંગ્રેસમાં દર પાંચ વર્ષે સંગઠનની ચૂંટણી ફરજિયાત છે. છેલ્લી વખત આ ચૂંટણી 2017માં યોજાઈ હતી, જ્યારે રાહુલ ગાંધીને બિનહરીફ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

પરંતુ 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું અને સોનિયા ગાંધીને વચગાળાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા પ્રથમ વખત સોનિયા ગાંધી 1998માં અધ્યક્ષ બન્યા હતા, ત્યારે તેમને સીતારામ કેસરીની જગ્યા લીધી હતી. 2 વર્ષ પછી તેમને જિતેન્દ્ર પ્રસાદ વિરૂદ્ધ એકતરફી જીત મેળવી. તેમને 7,448 વોટ મળ્યા હતા, જ્યારે પ્રસાદને માત્ર 94 વોટ જ મળ્યા. તેઓ 2017 સુધી સતત અધ્યક્ષ પદ પર રહ્યાં.

સોનિયા ગાંધીની 1998માં થયેલી ચૂંટણી પહેલા, સીતારામ કેસરીએ 1997માં શરદ પવાર અને રાજેશ પાયલટ જેવા દિગ્ગજ નેતાઓને અધ્યક્ષની ચૂંટણીમાં માત આપી હતી. તે ચૂંટણીમાં કેસરીએ બધાને ચોંકાવતા 6,224 વોટ મેળવ્યા હતા, જ્યારે શરદ પવારને 882 અને રાજેશ પાયલટને 354 વોટ જ મળ્યા હતા.

એઆઈસીસી સૂત્રો અનુસાર દેશભરની પ્રદેશ કોંગ્રેસ સમિતિઓમાં કુલ 9000 પ્રતિનિધિ છે. વર્તમાન ચૂંટણીમાં ત્રણ ઉમેદવાર હોવાની સંભાવના દેખાઈ રહી છે.

 

ત્રિવેન્દ્રમથી સાંસદ શશિ થરૂર, જેમને ચૂંટણી લડવા માટે સોનિયા ગાંધી પાસેથી સહમતિ લીધી છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત,પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ ગાંધી, જેમને ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી નથી, પરંતુ તેમને 11 રાજ્યોની પ્રદેશ કોંગ્રેસ સમિતિઓએ પ્રસ્તાવ પાસ કરીને અધ્યક્ષ પદ માટે સમર્થન આપ્યું છે.જ્યારે તમામ અનુમાનો પાછળ પૂર્ણ વિરામ લાગી જશે, ત્યારે એટલે કે 19 ઓક્ટબોરે જ ખબર પડશે કે કોણ દેશની સૌથી જૂની પાર્ટીનું નેતૃત્વ કરશે! અથવા એક વખત ફરીથી કોંગ્રેસ નિવિરોધી રીતે પોતાના અધ્યક્ષની ચૂંટણી કરશે?

(8:32 pm IST)