Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

પહેલી ઓક્ટોબરથી દેશમાં શરૂ થશે 5G સેવાઓ :પીએમ નરેન્દ્રભાઈ મોદી ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં કરશે લોન્ચ

સરકારના નેશનલ બ્રોડબેન્ડ મિશનએ ટ્વીટ કરીને આ જાણકારી આપી

નવી દિલ્હી : દેશમાં 5G સેવાઓ 1 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. વડાપ્રધાન મોદી 1 ઓક્ટોબરે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં 5G સેવાઓ લોન્ચ કરશે. લોન્ચ થયા બાદ 5G સર્વિસ માટે લોકોની રાહનો અંત આવશે. સરકારના નેશનલ બ્રોડબેન્ડ મિશનએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને કનેક્ટિવિટીને નવી ઊંચાઈઓ પર લઈ જાય છે. વડાપ્રધાન મોદી ભારતમાં એશિયાના સૌથી મોટા ટેકનોલોજી પ્રદર્શન ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં 5G સેવાઓ શરૂ કરશે.

   ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ એશિયામાં સૌથી મોટી ટેલિકોમ, મીડિયા અને ટેકનોલોજી ફોરમ માનવામાં આવે છે. તે સંયુક્ત રીતે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) અને સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (COAI) દ્વારા આયોજિત કરવામાં આવે છે. જાણકારોનું કહેવું છે કે 5G ટેક્નોલોજીની આવવાથી ભારતને ઘણો ફાયદો થશે. મોબાઈલ નેટવર્ક ઓપરેટર્સનું પ્રતિનિધિત્વ કરતી વૈશ્વિક ઔદ્યોગિક સંસ્થાનું અનુમાન છે કે વર્ષ 2023 અને 2040 વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થાને 36.4 ટ્રિલિયન રૂપિયા અથવા 455 અરબ ડોલરનો ફાયદો થવાની આશા છે.

5G સેવામાં ડેટા મોકલવાની અને પ્રાપ્ત કરવાની ઝડપ પહેલા કરતા વધુ ઝડપી થવા જઈ રહી છે. આનાથી લોકોનો સમય તો બચશે જ, પરંતુ નવા યુગની ઘણી એપ્લીકેશનનો પણ સરળતાથી ઉપયોગ કરી શકાશે. 5G ની મદદથી ગ્રાહકનો અનુભવ પહેલા કરતા વધુ સારો થશે અને હવે ટ્રાન્ઝેક્શનથી લઈને ફાઈલ્સને ડાઉનલોડ કે અપલોડ કરવામાં ખૂબ જ ઓછો સમય લાગશે.

5G ટેલિકોમ્યુનિકેશન સેવાઓ દ્વારા થોડી જ સેકન્ડમાં મોબાઈલ અને અન્ય ઉપકરણો પર હાઈ ક્વોલિટીની લાંબી વીડિયો અથવા મૂવી ડાઉનલોડ કરી શકાય છે. તે એક ચોરસ કિલોમીટરમાં લગભગ એક લાખ કોમ્યુનિકેશન ડિવાઇસને સપોર્ટ કરશે. આ સેવા સુપરફાસ્ટ સ્પીડ (4G કરતાં લગભગ 10 ગણી ઝડપી), કનેક્ટિવિટી વિલંબમાં ઘટાડો અને અબજો કનેક્ટેડ ઉપકરણો પર રીઅલ-ટાઇમ ડેટા શેરિંગ કરવામાં સક્ષમ બનાવે છે. આના દ્વારા 3D હોલોગ્રામ કોલિંગ, મેટાવર્સ અનુભવ અને શૈક્ષણિક એપ્લિકેશનને ફરીથી વ્યાખ્યાયિત કરી શકાય છે.

(7:22 pm IST)