Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

ભારત બાદ અમેરિકાના શેરબજારમાં વેચાણનોᅠવંટોળ

રોકાણકારો વચ્‍ચે વધ્‍યો મંદીનો ડર : સતત ચોથા દિવસે અમેરિકીᅠશેરબજાર ધડામ

નવી દિલ્‍હી તા. ૨૪ : ભારત બાદ અમેરિકાના શેરબજારમાં પણ વેચવાલીનો વંટોળ છવાયેલો છે. યુએસ માર્કેટમાં ટ્રેડિંગ દરમિયાન, ઈન્‍ડેક્‍સ - ડાઉ જોન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીયલ એવરેજ ૭૦૦ પોઈન્‍ટ અથવા ૨.૫% થી વધુ ઘટીને ૨૯,૫૦૦ પોઈન્‍ટની નીચે આવી ગયો હતો. આ ડાઉ જોન્‍સની ૨ વર્ષની નીચી સપાટી છે. તે જ સમયે, અન્‍ય સૂચકાંકો - એસએન્‍ડપી ૫૦૦ અને નાસ્‍ડેક કમ્‍પોઝિટ - ૨% કરતા વધુ ઘટ્‍યા. આ સતત ચોથો દિવસ છે જયારે યુએસ શેરબજારમાં કડાકો જોવા મળી રહ્યો છે. વેચાણના આ વાતાવરણે મંદીની આશંકા વધારી દીધી છે. ઉલ્લખેનીયᅠછે કે ગઈકાલેᅠભારતીય બજારોમાં પણ કડાકો જોવા મળ્‍યો હતો.

 ખરેખર, ફેડરલ રિઝર્વના તાજેતરના નિર્ણય અને ભવિષ્‍ય વિશે રોકાણકારોમાં ઘણી આશંકા છે. અમેરિકાની સેન્‍ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે સતત ત્રીજી વખત વ્‍યાજદરમાં વધારો કર્યો છે. તે જ સમયે, આગળ જતા વૃદ્ધિ ચાલુ રાખવા માટે મજબૂત સંકેતો આપવામાં આવી રહ્યા છે.

 ફેડ રિઝર્વનો હેતુ ફુગાવાને ૨ ટકાથી નીચે રાખવાનો છે. આ માટે વ્‍યાજદરમાં આક્રમક વધારો કરી શકાય છે. ફેડ રિઝર્વના આ નિર્ણયથી મોંઘવારી પર કાબૂ મેળવી શકાશે, પરંતુ મંદીની પકડમાં સપડાયેલા અમેરિકી અર્થતંત્ર પર ડર વધી ગયો છે. જો મંદી આવે છે, તો શેરબજારો તૂટશે, જીડીપી ઘટશે અને બેરોજગારી મોટા પાયે વધી શકે છે.

યુએસ માર્કેટમાં ઘટાડાનું એક કારણ અર્થશાસ્ત્રી નૌરીએલ રૂબિનીનું તાજેતરનું નિવેદન જણાવવામાં આવી રહ્યું છે. વાસ્‍તવમાં, અર્થશાષાી નૌરીલ રૂબિનીએ કહ્યું છે કે અમેરિકા સહિત વિશ્વભરમાં મંદીનો સૌથી લાંબો અને સૌથી ખરાબ સમયગાળો આવવાનો છે. રુબિની યુએસ શેરબજારના મહત્‍વના ઇન્‍ડેક્‍સ - સ્‍ટાન્‍ડર્ડ એન્‍ડ પુઅર્સ ૫૦૦ (S&P ૫૦૦)માં ૩૦ થી ૪૦% ઘટાડાની ધારણા રાખે છે. નૌરીએલ રૂબિનીએ ૨૦૦૮ની આર્થિક કટોકટીની સાચી આગાહી કરી હતી. આ મંદી પછી, વિશ્વભરના શેરબજારો ક્રેશ થયા અને મોટા પાયે નોકરીઓ ગઈ.

૩૦ શેરવાળો સેન્‍સેક્‍સ ૧,૦૨૦.૮૦ પોઈન્‍ટ્‍સ અથવા ૧.૭૩ ટકાના ઘટાડા સાથે ૫૮,૦૯૮.૯૨ પોઈન્‍ટ પર બંધ થયો હતો. તે જ સમયે, નેશનલ સ્‍ટોક એક્‍સચેન્‍જનો નિફટી પણ ૩૦૨.૪૫ પોઈન્‍ટ્‍સ અથવા ૧.૭૨ ટકાના ઘટાડા સાથે ૧૭,૩૨૭.૩૫ પોઈન્‍ટ પર આવી ગયો છે.

(10:45 am IST)