Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

રશિયા- યુક્રેન યુદ્ધમાં શાંતિ માટે સમિતિની રચવી જોઈએ તેમાં પીએમ મોદીનો સમાવેશ કરો: મેક્સિકો

મેક્સિકોના વિદેશ મંત્રી માર્સેલો લુઈ એબ્રાર્ડ કાસૌબોને પ્રસ્તાવ રજૂ કરતા કહ્યું - રશિયા- યુક્રેન યુદ્ધમાં શાંતિ સ્થાપવા માટે એક સમિતિ રચવી જોઈએ જેમાં પોલ ફ્રાંસીસ, યુનો મહામંત્રી એન્ટોનિયો ગુતોરેસ અને ભારતના વડાપ્રધાન મોદીને સમાવિષ્ટ કરવા જોઈએ.

સંયુક્ત રાષ્ટ્રો (યુનો)ની સલામતી સમિતિમાં ગુરૂવારે યોજાયેલી ચર્ચા દરમિયાન મુખ્ય- મુદ્દો સહજ રીતે જ રશિયા- યુક્રેન યુદ્ધનો હતો. ત્યારે 'સલામતી સમિતિ'માં નિયમાનુસાર ક્રમશઃ ચુંટાઈને આવેલા મેક્સિકોના વિદેશ મંત્રી માર્સેલો લુઈ એબ્રાર્ડ કાસૌબોને એક પ્રસ્તાવ રજૂ કરતા જણાવ્યું હતું કે, રશિયા- યુક્રેન યુદ્ધમાં શાંતિ સ્થાપવા માટે એક સમિતિ રચવી જોઈએ જેમાં પોલ ફ્રાંસીસ, યુનો મહામંત્રી એન્ટોનિયો ગુતોરેસ અને ભારતના વડાપ્રધાન  મોદીને સમાવિષ્ટ કરવા જોઈએ.

તેમણે તે હકીકતની પણ યાદ અપાવી હતી કે થોડા સમય પૂર્વે સમરકંદમાં યોજાયેલી 'શાંઘાઈ સહકાર સંગઠન'ની પરિષદ દરમિયાન મોદી પુતિનને મળ્યા હતા અને તેઓને કહ્યું હતું કે, 'આજનો યુગ તે યુદ્ધનો યુગ જ નથી'

મોદીના આ કથનને અમેરિકા, ફ્રાંસ અને બ્રિટન સહિત પશ્ચિમના દેશોએ આવકાર્યું પણ હતું તેમ કહેતાં મેક્સિકોના વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે મૂળભૂત રીતે જ શાંતિપ્રિય વલણ ધરાવતા મેક્સિકોનું તો માનવું છે કે, 'આંતરરાષ્ટ્રીય સમુદાયે શાંતિ સ્થાપવા માટે પોતાના સર્વશ્રેષ્ઠ પ્રયાસો કરવા જ રહ્યા.'

તેઓએ વધુમાં કહ્યું કે, આ અંગે સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી એન્ટોનિયો ગુતારેસા મધ્યસ્થતાના પ્રયાસો મજબૂત કરવા હું મેક્સિકોના રાષ્ટ્રપતિ આંદ્રેસ મેન્યુઅલ લોપેર્સ ઓબ્રાડોરનો એક પ્રસ્તાવ રજૂ કરું છું. જેમાં યુક્રેન યુદ્ધમાં શાંતિ સ્થાપવા માટે અન્ય રાષ્ટ્રપતિઓ કે સરકારના વડાઓની એક સમિતિ રચાય જેમાં શક્ય હોય તો પોલ ફ્રાંસિસ, યુનોના મહામંત્રી એન્ટોનિયો ગુતારેસ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમાવેશ કરવામાં આવે.

સમિતિનું લક્ષ્‍ય, શાંતિ સ્થાપવાનું અને તંગદિલી ઘટાડી, પારસ્પરિક વિશ્વાસ વધારવાનું જ હોઈ શકે. તે સર્વવિદિત છે કે પુતિને તેના ૩ લાખ રિઝર્વ્ડ સૈનિકોને વ્યાપક આક્રમણ માટે તૈનાત રાખ્યા છે. સાથે પરમાણુ યુદ્ધની પણ ગર્ભિત ધમકી આપી છે.

(10:57 pm IST)