Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

ઉદ્ધવ ઠાકરે સરકારનો મોટો નિર્ણય : મહારાષ્ટ્રમાં નવરાત્રિના પ્રથમ દિવસથી તમામ મંદિરો ફરી ખોલાશે :કોરોનાના તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે

 

મુંબઈ :કોરોના રોગચાળાને કારણે મહારાષ્ટ્રમાં બંધ મંદિરો હવે ફરીથી ખુલવા જઈ રહ્યા છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યાલય (CMO) એ  આ વિશે માહિતી આપી. સીએમઓના જણાવ્યા અનુસાર, નવરાત્રીના પ્રથમ દિવસે 7 ઓક્ટોબરથી રાજ્યના તમામ મંદિરો ફરી ખોલવામાં આવશે. આ દરમિયાન કોરોનાના તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે.

મહારાષ્ટ્રમાં મંદિર ન ખોલવા માટે ભાજપ મહારાષ્ટ્ર સરકાર પર સતત પ્રહાર કરી રહી હતી. વિપક્ષ તરફથી અન્ય જાહેર સ્થળો ખોલવાની જેમ પણ મંદિરો ખોલવાની માગ કરવામાં આવી હતી. વિપક્ષ પાર્ટી ભાજપ અને મનસે દ્વારા મંદીરો ખોલવા માટે આંદોલન પણ ચલાવવામાં આવ્યું હતું. તેમજ શીવસેનાને હિંદુ વિરોધી સરકાર ગણાવી હતી.

આ આંદોલન બાદ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પણ જવાબો આપ્યા હતા. તેમણે તહેવારોની ઉજવણી અને મંદિરો ખોલવાની જગ્યાએ કોરોના મહામારીથી લડવા માટે હોસ્પીટલો ખુલી રાખવા પર ભાર મુક્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતુ કે જીવન છે તો તહેવારો બાદમાં પણ ઉજવી શકાશે. જો કે હવે કોરોનાની બીજી લહેર ધીમી પડી છે ત્યારે નવરાત્રીના તહેવાર ઉપર ઠાકરે સરકારે હવે આ અંગે નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી કાર્યાલયે 7 ઓક્ટોબરથી મંદિર ખોલવા તેમજ કોરોના નિયમોનું પાલન કરવાનું કહ્યું છે.

(11:50 pm IST)