Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

વડાપ્રધાન મોદી અને જો બાઈડન વચ્ચેેની બેઠક સમાપ્ત બિઝનેસ અને ટેકનોલોજી સહિતના મુદ્દાઓ પર થઈ ચર્ચા

વડાપ્રધાન મોદી જો બિડેન સાથે મુલાકાત બાદ વ્હાઈટ હાઉસથી રવાના : બંને નેતાઓ ક્વાડ કોન્ફરન્સમાં પણ ભાગ લેશે.

નવી દિલ્હી :વડા પ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન વ્હાઈટ હાઉસમાં તેમની પ્રથમ દ્વિપક્ષીય બેઠક કરી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ રાષ્ટ્રપતિ બિડેનનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, 'મારા અને મારા પ્રતિનિધિમંડળના ઉષ્માભર્યા સ્વાગત માટે હું આપનો આભાર માનું છું. અગાઉ પણ અમને ચર્ચા કરવાની તક મળી હતી અને તે સમયે તમે ભારત-અમેરિકા દ્વિપક્ષીય સંબંધો માટે તમારુ વિઝન જણાવ્યું હતું. આજે, તમે ભારત-યુએસ સંબંધો માટે તમારા વિઝનને અમલમાં મૂકવાની પહેલ કરી રહ્યા છો.'

જો બાઈડને કહ્યું, 'હું લાંબા સમયથી વિશ્વાસ છે કે, યુએસ-ભારત સંબંધ ઘણા વૈશ્વિક પડકારોને ઉકેલવામાં મદદ કરી શકે છે. હકીકતમાં 2006 માં જ્યારે હું ઉપરાષ્ટ્રપતિ હતો ત્યારે મેં કહ્યું હતું કે 2020 સુધીમાં ભારત અને અમેરિકા વિશ્વના સૌથી નજીકના દેશો બનશે. હું ભારતના પ્રધાનમંત્રી  મોદીને હોસ્ટ કરી રહ્યો છું. હું બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોને મજબૂત કરવા, મુક્ત અને ખુલ્લા ઇન્ડો-પેસિફિક ક્ષેત્રને જાળવી રાખવા અને કોવિડ-19 થી લઈને આબોહવા પરિવર્તન સુધીના દરેક મુદ્દાનો સામનો કરવા આતુર છું.

વ્હાઇટ હાઉસમાં જો બાઈડન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી. આ પછી તેમણે રૂઝવેલ્ટ રૂમમાં વિઝિટર બુકમાં સહી પણ કરી હતી. છેલ્લા સાત વર્ષમાં પીએમ મોદીની આ સાતમી યુએસ મુલાકાત છે. વડાપ્રધાન મોદી જો બિડેન સાથે મુલાકાત બાદ વ્હાઈટ હાઉસથી રવાના થયા હતા. થોડા સમય પછી બંને નેતાઓ ક્વાડ કોન્ફરન્સમાં પણ ભાગ લેશે.

વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે વેપારના મુદ્દે પણ વાત કરી હતી. તેમણે કહ્યું, 'ભારત અને અમેરિકા વચ્ચે વેપારનું પોતાનું મહત્વ છે. આ દાયકામાં પણ આપણે વ્યવસાયના ક્ષેત્રમાં એકબીજાને ઘણી મદદ કરી શકીએ છીએ. અમેરિકા પાસે એવી ઘણી વસ્તુઓ છે જેની ભારતને જરૂર છે. ભારત પાસે ઘણી વસ્તુઓ છે જે અમેરિકા માટે ઉપયોગી થઈ શકે છે. પીએમ મોદીએ ટેકનોલોજી પર કહ્યું, 'ટેકનોલોજી એક પ્રેરક બળ બની રહી છે. આપણે વૈશ્વિક ભલાઈ માટે ટેકનોલોજીનો લાભ લેવા માટે આપણી પ્રતિભાનો ઉપયોગ કરવો પડશે.'

(11:09 pm IST)