Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

કેરળ હાઇકોર્ટમાં આર્થિક રીતે નબળા વર્ગ માટે અનામતને પડકારતી અરજીની સુનાવણી પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી

સર્વોચ્ચ અદાલતે અગાઉ પણ આવી જ બાબત પાંચ જજની બંધારણીય બેન્ચને મોકલી હતી.

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે નબળા વર્ગો (EWS)ના ઉમેદવારોને નોકરીઓ અને એડમિશનમાં 10 ટકા અનામત આપવાના કેંદ્ર સરકારના નિર્ણયને પડકારતી અરજી પર કેરળ હાઈકોર્ટમાં કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. કેન્દ્ર સરકારે દાખલ કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટે નોટિસ પણ આપી હતી. સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં આ મામલાને હાઇકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની વિનંતી કરવામાં આવી છે.

ચીફ જસ્ટિસ એનવી રમણ, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠે કેન્દ્ર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર નોટિસ જારી કરી હતી, જેમાં આ મામલાને હાઇકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની માંગ કરવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતે અગાઉ પણ આવી જ બાબત પાંચ જજની બંધારણીય બેન્ચને મોકલી હતી. જણાવી દઈએ કે નુઝૈમ પીકેએ કેરળ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરીને કેન્દ્ર સરકારના આ નિર્ણયને પડકાર્યો છે.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કેન્દ્ર તરફથી હાજર થઈને હાઈકોર્ટ સમક્ષ કાર્યવાહી પર સ્ટે માંગ્યો હતો ઉપરાંત નુજૈમ પીકેને નોટિસ આપી હતી, જેમણે ત્યાં પીઆઈએલ દાખલ કરી હતી.

નુજૈમ પીકે તરફથી દલીલ કરવામાં આવી કે આ નિર્ણય સંવિધાનની મૂળ સંરચનાનું ઉલ્લંઘન કરે છે. કેરળ હાઈકોર્ટમાં દાખલ આ અરજી પર કેંદ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા સુપ્રીમ કોર્ટમાં રજૂ થયા હતા. તેમણે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી કે કેરળ હાઇકોર્ટમાં કાર્યવાહી પર સ્ટે મુકવામાં આવે અને નુઝમ પીકેને નોટિસ આપવામાં આવે. કેન્દ્ર સરકાર વતી અરજીમાં એવી દલીલ કરવામાં આવી છે કે રિટ પિટિશનમાં ઉઠાવવામાં આવેલા પ્રશ્નો પણ સુપ્રીમ કોર્ટ સમક્ષ પેન્ડીંગ અરજીઓ સમાન છે.

(10:58 pm IST)