Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

સચિન બનશે રાજસ્થાનના મુખ્યમંત્રી ? : પાઈલટની રાહુલ-પ્રિયંકા ગાંધી સાથેની મુલાકાત બાદ રાજસ્થાનના રાજકારણમાં ગરમાવો

સચિન પાઈલટે રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કે ઉપ-મુખ્યમંત્રી બનવાનો ઈન્કાર કરી દીધો

નવી દિલ્હી :  દિલ્હીમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સાથે સચિન પાઈલટની મુલાકાતથી રાજસ્થાનમાં મુખ્યમંત્રી બદલાશે કે કેમ એ વાતે જોર પકડ્યું છે. આ પહેલા પાઈલટ રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ સી.પી.જોશીને પણ મળ્યા હતા. સચીન અને રાહુલ જૂના મિત્રો છે અને તેમને પરસ્પર સારુ બને છે. મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને ગુમાવ્યા પછી હવે સચિન પણ પક્ષ પલટો કરે તો કોંગ્રેસની અને રાહુલની બન્નેની મુશ્કેલી વધે.

રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચિન પાઈલટ વચ્ચે ઘણા સમયથી સંઘર્ષ ચાલે છે. બન્ને કોંગ્રેસના સભ્યો હોવા છતાં વિરોધ પક્ષ જેવું વર્તન કરે છે. માટે કોંગ્રેસ હવે ત્યાં સમસ્યાનો ઉકેલ લાવવા ગંભીરતાથી વિચારી રહી છે. ચૂંટણી માટે વ્યૂહરચના ઘડવામાં નિષ્ણાંત પ્રશાંત કિશોર અત્યારે કોંગ્રેસમાં રાહુલ ગાંધીના સલાહકાર છે. એમણે રાહુલને સલાહ આપી છે કે તેઓ મોદી સ્ટાઈલમાં વર્તે અને તડ-ફડ નિર્ણયો કરે. એ પછી જ રાહુલે પંજાબમાં બે વખતના મુખ્યમંત્રી અમરિન્દરને પળવારમાં હટાવી દીધા હતા. ભાજપ હોય કે કોંગ્રેસ બન્ને પાસે નોન પર્ફોર્મિંગ મુખ્યમંત્રીઓ છે. એટલે ભાજપે ગુજરાતમાં, કોંગ્રેસે પંજાબમાં સીએમ બદલ્યા પછી વાત ત્યાંથી અટકવાની નથી.

સાંજે દિલ્હીમાં રાહુલ ગાંધીના ઘરે સચિન પાઈલટની લાંબી બેઠક ચાલી હતી. એ વખતે પ્રિયંકા ગાંધી પણ હાજર હતા. કોંગ્રેસમાં હવે મહત્વના નિર્ણયો રાહુલ અને પ્રિયંકા લેવા લાગ્યા છે. પંજાબનો નિર્ણય પણ તેમનો જ હતો. રાહુલ-પ્રિયંકા-સચીન વચ્ચે એક જ અઠવાડિયામાં થયેલી આ બીજી મીટિંગ છે. એટલે મીટિંગ મહત્વપૂર્ણ હોવાની પુરી શક્યતા છે. વળી સચિન પાઈલટે રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કે ઉપ-મુખ્યમંત્રી બનવાનો ઈન્કાર કરી દીધો છે. એટલે સ્પષ્ટ છે કે સચીન મુખ્યમંત્રી પદથી નીચેના કોઈ પદ માટે તૈયાર નથી.

(8:52 pm IST)