Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

કાશ્મીરમાંથી સેના હટે તો લોકશાહીનો ખાતમો થશે

બ્રિટનની સંસદમાં ચર્ચા દરમિયાન સાંસદની ચેતવણી : હાઉસ ઓફ કોમન્સમાં કાશ્મીરમાં માનવાધિકારોની સ્થિતિ પર ચર્ચા શરૃ કરતાં સાંસદ બોબ બ્લેકમેને રોકડું પરખાવ્યું

લંડન, તા.૨૪ : બ્રિટનની સંસદમાં થયેલી ચર્ચા દરમિયાન સાંસદ બોબ બ્લેકમેને ચેતવણી આપી હતી કે, જો ભારતીય સેના કાશ્મીરમાંથી હટી તો અફઘાનિસ્તાનની જેમ કાશ્મીરમાં પણ લોકતંત્રનો ખાતમો થઈ જશે. બ્રિટનની સંસદના નીચલા ગૃહમાં કાશ્મીર પર ચર્ચા દરમિયાન બોબે કહ્યુ હતુ કે, આપણે જોયુ છે કે અફઘાનિસ્તાનમાં શું થયુ.

જો ભારતીય સેના હટી જાય તો જમ્મુ કાશ્મીરના લોકોની પણ હાલત થશે જે અફઘાનિસ્તાનમાં લોકશાહીના ખાતમા બાદ ત્યાંના લોકોની થઈ છે. હાઉસ ઓફ કોમન્સમાં સાંસદ ડેબી અબ્રાહમ અને પાકિસ્તાની મૂળની સાંસદ યાસ્મીન કુરેશીએ કાશ્મીરમાં માનવાધિકારોની સ્થિતિ પર ચર્ચા શરૃ કરી હતી. જેમાં સાંસદ બોબ બ્લોકમેને રોકડુ પરખાવ્યુ હતુ કે, ભારતીય સેનાની મજબૂતીના કારણે અત્યાર સુધી જમ્મુ કાશ્મીર તાલિબાન બનતા અટક્યુ છે. જમ્મુ કાશ્મીર ભારતનો કાનૂની રીતે અભિન્ન હિસ્સો છે.

દરમિયાન બ્રિટનની સંસદમાં કાશ્મીરના માનવાધિકારીના મુદ્દે ચર્ચા પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે કે, કાશ્મીર પર કોઈ દાવો કરતા પહેલા તેના સબંધિત તથ્યોને પ્રમાણિત કરવામાં આવે. પ્રસ્તાવ ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપના સાસંદો દ્વારા મુકવામાં આવ્યો હતો. જેમાં બ્રિટિશ સરકારના મંત્રી અમાન્ડા મિલિંગે સ્પષ્ટ કર્યુ હતુ કે, ભારત અને પાકિસ્તાની કાશ્મીરી લોકોની ઈચ્છા પ્રમાણે ઉકેલ લાવવો પડશે. બ્રિટનની જવાબદારી તેમાં મધ્યસ્થી કરવાની નથી.

(7:59 pm IST)