Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

આસામ હિંસાના વિરોધમાં દરાંગમાં ૧૨ કલાકનું બંધ

દબાણ હટાવવાના મામલે હિંસાના ઘેરા પ્રત્યાઘાત : વહીવટીતંત્રએ મોટા પ્રમાણમાં સુરક્ષાદળ તૈનાત કર્યું

દિસપુર, તા.૨૪ : આસામના દરાંગ જિલ્લામાં દબાણ હટાવવા ગયેલી પોલીસ અને સ્થાનિક નાગરિકોને વચ્ચે અથડામણ બાદ પરિસ્થિતિ તણાવપૂર્ણ છે. ઢોલપુર વિસ્તારના બલુઆ ઘાટ વિસ્તારમાં ભારે સુરક્ષાદળ તૈનાત કરવામાં આવ્યા છે. બીજી તરફ ગુરૃવારે થયેલી હિંસક અથડામણના વિરોધમાં ઑલ આસામ માઈનૉરિટીઝ સ્ટુડન્ટસ યુનિયન સહિત કેટલાક સંગઠનોએ દરાંગ જિલ્લામાં ૧૨ કલાકના બંધનુ આહ્વાન કર્યુ છે. વિસ્તારમાં તણાવ છે.

તણાવપૂર્ણ પરિસ્થિતિને જોતા વહીવટીતંત્રએ વિસ્તારમાં ભારે સુરક્ષાદળની તૈનાતી કરી છે. સંબંધિત એક પ્રત્યક્ષદર્શી સુકુર અલીએ કહ્યુ કે હુ ત્યાં હતો જ્યારે ઘટના ઘટી. સુકુર અનુસાર ઘટના ઢોલપુર નંબર એક અને ઢોલપુર નંબર ત્રણમાં થઈ જ્યાં કેટલાક લોકોએ સુરક્ષાદળો પર પથ્થરમારો કર્યો.

સેના દબાણ હટાવવા ગઈ હતી. પ્રત્યક્ષદર્શી સુકુરના જણાવ્યા અનુસાર કેટલાક ગ્રામીણોએ પણ સેના પર હુમલો કરી દીધો. ત્યાં ઘટના બાદ વિસ્તારમાં તણાવને જોતા ઘટનાસ્થળથી થોડા અંતરે પોલીસે કેમ્પ કરી દીધો છે. ઢોલપુર વિસ્તારમાં તણાવ હજુ પણ વ્યાપ્ત છે. વિસ્તારમાં ભારે સેના તૈનાત કરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્રએ પોલીસ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના અસ્થાયી કેમ્પ સેટ કરાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે અસમના બલુઆ ઘાટથી ઢોલપુર લગભગ ચાર કિલોમીટર દૂર છે. ઢોલપુરમાં દબાણ હટાવવા ગયેલી પોલીસ પર લોકોએ પથ્થરમારો કરી દીધો જે બાદ પોલીસે ફાયરીંગ કર્યુ. ફાયરીંગની ઘટનામાં બે લોકોના મોત થઈ ગયા. ઘટનાને લઈને વિપક્ષી કોંગ્રેસે હેમંત બિસ્વા સરમાની સરકાર પર નિશાન સાધ્યુ છે. ઘટનાને લઈને રાજકારણ ગરમાયુ છે.

(7:55 pm IST)