Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

યુએસમાં ઇન્ડિયન આઇડલના ૪ ફાઇનાલિસ્ટસ શો કરશે

સાયલી કાંબલેએ ટૂર વિશેની માહિતી આપી : પવનદીપ, અરૂણિતા, સાયલી કાંબલે, દાનિશની કિસ્મત ચમકી, તેઓ અમેરિકાના વિવિધ શહેરોમાં શો કરવાના છે

મુંબઈ,તા.૨૪: સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ ૧૨ના ફાઈનાલિસ્ટ્સને સારું કામ મળી રહ્યું છે. પવનદીપ રાજન, અરુણિતા કાંજીલાલ અને શન્મુખપ્રિયા જ્યાં એક તરફ મ્યૂઝિક સીરિઝમાં વ્યસ્ત છે, તો સાયલી કાંબલેએ મરાઠી ફિલ્મ માટે સોન્ગ રેકોર્ડ કર્યું છે. આ સિવાય નિહાલ તોરો અને આશિષ કુલકર્ણીનું હિમેશ રેશમિયાએ કમ્પોઝ કરેલું સોન્ગ હાલમાં જ રિલીઝ થયું છે અને હિટ પણ રહ્યું છે. ઈન્ડિયન આઈડલ ૧૨ના ટોપ ૪માં જગ્યા બનાવનાર પવનદીપ, અરુણિતા, સાયલી કાંબલે અને દાનિશના ફેન્સ માટે સારા સમાચાર છે.

તેઓ નાના-મોટા પ્રોજેક્ટ તો કરી જ રહ્યા છે પરંતુ તેમને હવે અમેરિકાના વિવિધ શહેરમાં શો કરવાની તક મળી છે. સાયલી કાંબલેએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ અંગેની માહિતી આપી છે અને તેઓ શો માટે અમેરિકા ક્યારે જશે તેનો પણ ઉલ્લેખ કર્યો છે. સાયલી કાંબલેએ પવનદીપ, અરુણિતા અને દાનિશ સાથેની તસવીર શેર કરી છે.

આ સાથે તેણે લખ્યું છે 'અમેરિકા તૈયાર થઈ જાઓ. માર્ચ, ૨૦૨૨માં અમે તમારા શહેરમાં હોઈશું. ન્યૂયોર્ક, જર્સી, બોસ્ટોન, વોશિંગ્ટન ડીસી, મિયામી, એટલાન્ટા, હ્યુસ્ટન, ડેલ્લાસ, ડેસ્ટ્રોઈટ, સેન, લોસ એન્જલસ, સિએટલ. ખૂબ જલ્દી બીજા શહેરના નામની જાહેરાત કરવામાં આવશે સાયલી કાંબલેની વાત કરીએ તો, હાલ તે પોતાન લવ લાઈફને લઈને ચર્ચામાં છે. શો દરમિયાન તેનું નામ નિહાલ તોરો સાથે જોડાયું હતું જો કે, તેણે અને નિહાલે તેઓ માત્ર મિત્રો હોવાનું કહ્યું હતું. તેમ છતાં તેમની અફેરની ચર્ચા અટકી નહોતી. જો કે, બુધવારે તેણે બોયફ્રેન્ડ સાથેની તસવીર શેર કરીન સૌને ચોંકાવી દીધા હતા. બોયફ્રેન્ડ ધવલ સાથેની તસવીરમાં સાયલી કાંબલેએ પ્રેમનો એકરાર પણ કર્યો હતો. સાયલી કાંબલેએ પોતે રિલેશનશિપમાં હોવાની જાહેરાત કરતાં ઘણાને આંચકો લાગ્યો હતો. ઈન્ડિયન આઈડલ ૧૨ની વાત કરીએ તો, તેનું ગ્રાન્ડ ફિનાલે ૧૫મી ઓગસ્ટે યોજાયું હતું. જેનો વિનર પવનદીપ રાજન બન્યો હતો. જ્યારે ફર્સ્ટ રનર અપ અરુણિતા કાંજીલાલ અને સેકન્ડ રનર અપ સાયલી કાંબલે બની હતી.

(3:53 pm IST)