Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

સરકારે ધરેલુ ફ્લાઈટ્સમાં ચેકઈનની મર્યાદા સમાપ્ત કરી

વિમાનના પ્રવાસીઓ માટે રાહતના સામાચાર : કોરોનાને લીધે એક જ ચેકઈન અને હેન્ડબેગની મંજૂરી હતી, હવે એરલાઈન્સની નીતિ પ્રમાણે લગેજ રાખી શકાશે

નવી દિલ્હી, તા. ૨૪ : સરકારે સ્થાનિક વિમાન મુસાફરો માટે ચેકઈન સામાનની મર્યાદામાં રદ કરી દીધી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે લોક ડાઉન પછી ૨૫ મેથી ઘરેલું વિમાન ફરી શરૂ થતાં મુસાફરો દીઠ માત્ર એક જ ચેકઈન બેગેજ અને મુસાફર દીઠ એક હેન્ડબેગની મંજૂરી આપી હતી. પરંતુ હવે તેમાં સુધારો કરવામાં આવ્યો છે. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે સામાનની મર્યાદા હવે એરલાઇન્સની નીતિને અનુરૂપ હશે. મંત્રાલયના આદેશને પગલે ઉડ્ડયન નિયમનકાર નિયામક નાગરિક ઉડ્ડયન પણ આ સંદર્ભમાં એક આદેશ જારી કરશે. ભારતમાં સ્થાનિક એરલાઇન્સમાં ૧૫ કિલોગ્રામ સુધીના સામાનના ચેક ઇન પર કોઈ ચાર્જ નથી. જો કોઈને આનાથી વધુ સામાન લઈ જવો હોય, તો તેણે વધારાની ચુકવણી કરવી પડે છે.

૨૫ મેથી દેશમાં ઘરેલુ ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ હતી. શરૂઆતમાં મુસાફરોને કેબીન સામાન પણ લઇ જવાની મંજૂરી નહોતી પરંતુ બાદમાં નિયમો હળવા કરવામાં આવ્યાં હતાં. દેશમાં હવાઈ મુસાફરી સામાન્ય સ્થિતિમાં પરત ફરી રહી છે. ફ્લાઇટ્સ અને મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે પરંતુ કોરોના પહેલાના સ્તરે પહોંચવા માટે લાંબી મજલ કાપવાની બાકી છે. બુધવારે, એરલાઇન્સે ૧૩૨૦ ફ્લાઇટ્સનું સંચાલન કર્યું હતું જોકે શરૂઆતમાં સંખ્યા ૭૦૦  હતી.  કોવિડ પહેલાં, દેશમાં દરરોજ ૨૫૦૦ ફ્લાઇટ્સ કાર્યરત હતી.

(7:25 pm IST)