Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

યુપીમાં રેપિસ્ટ, છેડતી કરનારાના પોસ્ટર્સ ચાર રસ્તા પર લગાવાશે

યુપીમાં મહિલાઓ પરના ગુના સામે સરકાર આક્રમક : ગુનેગારોને ઊઘાડા પાડી તેમના સામાજિક બહિષ્કાર થાય એ માટે સરકાર પગલાં લેશે, પોલીસ પર વધુ જવાબદારી

લખનઉ, તા. ૨૪ : યોગી સરકારે ઉત્તર પ્રદેશમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ પર કાબૂ મેળવવા માટે એક નવું ફરમાન બહાર પાડ્યું છે. યુપી સરકાર હવે આવા ગુનેગારોને અપમાનિત કરશે. બાળકીઓ સાથે રેપ કરનારા, છેડતી અને જાતીય ગુનાઓ કરનારા ગુનેગારોના ચાર રસ્તાઓ પર પોસ્ટરો લગાવવામાં આવશે.

સીએમ યોગી દ્વારા દુરાચારીઓ અને ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે અધિકારીઓને આદેશ આપ્યો કે દુરાચારીઓ, વ્યાવસાયિક ગુનેગારોના પણ ચાર રસ્તાઓ પર પોસ્ટરો લગાવવામાં આવે. જેથી લોકો આવા ગુનેગારો વિશે જાણીશકે અને સમાજ તેમનો બહિષ્કાર થાય. એવું માનવામાં આવે છે કે રેપિસ્ટમાં તે જ ગુનેગારોનો સમાવેશ થશે જેને અદાલતે દોષી ઠેરવ્યા હોય. યોગીએ કહ્યું હતું કે મહિલાઓ અને યુવતીઓ પર બળાત્કાર, છેડતી,જાતીય સતામણી કે શોષણકરનારા ગુનેગારો અને દુષ્કર્મ કરનારાઓના સહાયકોનાનામ પણ બહાર આવવા જોઈએ. આમ કરવાથી તેમના સહાયકોમાં બદનામી થવાનો ભય પેદા થશે.

મુખ્યમંત્રીએ યુપી પોલીસને મહિલા અને છોકરીઓ સાથે થતા ગુનાઓ વિશે ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે જો મહિલાઓ સાથે ક્યાંય પણ ગુનાહિત બનાવ બને તો સંબંધિત બીટ ઇન્ચાર્જ, ચોકી ઈન્ચાર્જ, સ્ટેશન ઇન્ચાર્જ અને સીઓ જવાબદાર રહેશે. તેમની જવાબદારી નિશ્ચિત કરવામાં આવશે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. યોગી આદિત્યનાથે કહ્યું છે કે, દુષ્કર્મ કરનારાઓને મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા જ સજા થવી જોઈએ. તેમણે કહ્યું કે મહિલા પોલીસ કર્મચારીઓએ આવા ગુનેગારોને પાઠ ભણાવવો જોઈએ જેથી તેઓ મહિલાઓ સાથે ગુનાઓ કરવાથી ડરે.

(7:18 pm IST)