Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

રેલવેએ થાળીનો વાટકો કર્યોઃ ૧૦૦ની આવક બતાવવા ૯૭ ખર્ચ્યા

૨૦૧૮-૧૯ દરમિયાન રેલ્વે રૂ. ૨,૦૧,૦૯૦ કરોડની લક્ષ્યાંકિત આંતરિક કમાણી સામે રૂ. ૧,૯૦,૫૦૭ કરોડની કુલ આંતરિક કમાણી કરી છે

નવી દિલ્હી, તા.૨૪: કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા (કેગ) એ ૨૦૧૮-૧૯ના રેલ્વેના નાણાંકીય અહેવાલમાં જણાવ્યું છે કે રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટર વધુ સારી રીતે બતાવવા ઓપરેટિંગ ખર્ચ અને ઓપરેટિંગ રેશિયો રજૂ કરવા માટે 'વિંડો ડ્રેસિંગ' નો આશરો લે છે.

૨૩ સપ્ટેમ્બરના રોજ સંસદમાં રજુ કરાયેલા એક અહેવાલમાં કેગે જણાવ્યું હતું કે બજેટના અંદાજમાં ૯૨.૮ ટકાના લક્ષ્યાંક સામે, રેલવેનો ઓપરેટિંગ રેશિયો ૨૦૧૮-૧૯માં ૯૭.૨૯ ટકા હતો, એટલે કે રેલવેએ રૂ.૧૦૦ કમાવવા માટે ૯૭.૨૯ રૂપિયા ખર્ચ કર્યા છે.

રિપોર્ટમાં કેગે જણાવ્યું કે એનટીપીસી અને કોનકોર પાસેથી મળેલું રૂ.૮૩૫૧ કરોડનું એડવાન્સ ભાડું ૨૦૧૮-૧૯ની કમાણીમાં દર્શાવાયું નહોત તો ઓપરેટીંગ રેશિયો ૯૭.૨૯%ના બદલે ૧૦૧.૭૭% જોવા મળ્યો હોત. કેગે અટકી પડેલા પ્રોજેકટ્સ પર પણ પ્રકાશ પાડ્યો હતો. ૨૦૧૫-૨૦ દરમિયાન પ્રોજેકટ્સ પૂર્ણ થવાના હતા. જો કે, ઝોનલ રેલ્વેની અસમર્થતા અને રેલવે બોર્ડ કક્ષાએ નબળી દેખરેખને કારણે, પ્રોજેકટ્સની પ્રગતિ ધીમી પડી હતી, એમ રિપોર્ટમાં જણાવ્યું હતું.

કેગે અહેવાલમાં જણાવ્યું છે કે, ૨૦૧૮-૧૯ દરમિયાન રેલ્વે રૂ. ૨,૦૧,૦૯૦ કરોડની લક્ષ્યાંકિત આંતરિક કમાણી સામે રૂ. ૧,૯૦,૫૦૭ કરોડની કુલ આંતરિક કમાણી કરી છે. કેગના અહેવાલમાં વધારાના અંદાજપત્રીય સંસાધનો (ઇબીઆર) નાણાકીય પ્રોજેકટ માટેના સંચાલન અંગે રાષ્ટ્રીય પરિવહન કરનારને પણ ઝડપી પાડયો હતો.

૨૦૧૮-૧૯માં ચોખ્ખી પુરાંત રૂ.૩૭૭૩.૮૬ કરોડ હતી. એડવાન્સ નૂર મળ્યું ન હોત ઘસારા અનામત ફંડ અને પેન્શન ફંડ માટે ઓછો ઉપાડ થયો નહોત તો રેલ્વે પાસે રૂ.૭૩૩૪.૮૫ કરોડની નેગેટીવ પુરાંત હોત. વર્કીંગ એકસપેન્સીસ અને ઓપરેટીંગ રેશિયો સારા બતાવવા રેલ્વેએ વિન્ડો ડ્રેસીંગનો આશરો લીધો હતો. ઓપરેટીંગ રેશિયો એટલે કે દરેક રૂપિયાની કમાણી સામે રેલ્વેએ કરેલો ખર્ચ.

ગત ડિસેમ્બરમાં અગાઉના રિપોર્ટમાં પણ કેગએ જણાવ્યું હતું કે રેલ્વેનો ૯૮.૪૪% સામે દસ વર્ષનો સૌથી ખરાબ ઓપરેટીંગ રેશિયો છે. એ રિપોર્ટમાં પણ ઓડીટરે જણાવ્યું હતું કે એનટીપીસી અને ઈરકોન તરફની એડવાન્સ રકમ મળી ન હોત તો રૂ.૧૬૬૫.૬ કરોડની પુરાંતના બદલે રૂ.૫૬૭૬.૩ કરોડની ખાધ રહી હોત.

(4:39 pm IST)