Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

દીપિકા આજે ગોવાથી ચાર્ટર પ્લેનમાં મુંબઈ આવશેઃ NCB શુક્રવારે કરશે પૂછપરછ

મુંબઇ, તા.૨૪: ડ્રગ્સના કેસમાં એનસીબીના રડાર પર આવેલી દીપિકા પાદુકોણની ૨૫ સપ્ટેમ્બરના રોજ પૂછપરછ કરવામાં આવશે. દીપિકા પાદુકોણ એ ડ્રગ્સના કેસમાં સામે આવેલા નામોમાં સૌથી મોટી હસ્તી છે. તે બોલિવૂડની A લિસ્ટર અભિનેત્રીઓમાંની એક છે. હાલમાં દીપિકા શૂટિંગ કરવા માટે ગોવામાં છે. એનસીબીનું સમન્સ મળ્યા બાદ દીપિકા આજે બપોરે ગોવાથી મુંબઈ આવવા રવાના થશે.

ગોવા એરપોર્ટ સીઆઈએસએફ અનુસાર, દીપિકા આજે બપોરે ૧૨.૩૦ વાગ્યે ગોવાથી રવાના થશે. સીઆઈએસએફને એરપોર્ટ પર વીઆઈપી મુવમેન્ટ માટે એલર્ટ કરાઈ છે. દીપિકા ચાર્ટર પ્લેનમાં મુંબઇ જશે. આ વિમાન હૈદરાબાદથી આવશે, દીપિકા પાદુકોણને ગોવાથી મુંબઇ લઈ જશે.

તમને જણાવી દઈએ કે ડ્રગ્સ કેસમાં દીપિકાનું નામ તેમના ફેન્સ માટે એકદમ આદ્યાતજનક રહ્યું છે. દીપિકાની કથિત ડ્રગ્સ ચેટ સામે આવી હતી. દીપિકાની આ ડ્રગ્સ ચેટ કવાન કંપનીની મેનેજર કરિશ્મા સાથે થઈ હતી. ચેટમાં દીપિકા કરિશ્માને પૂછતી હતી - માલ છે કે? હવે દીપિકાએ એનસીબીના ડ્રગ્સ અંગેના સવાલોના જવાબ આપવાના રહેશે.

એવા અહેવાલો છે કે દીપિકા પાદુકોણ એનસીબી સમન મળ્યા બાદ ખૂબ તણાવમાં આવી હતી. દીપિકાએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેના પરિવાર અને વકીલોની ટીમ સાથે વાતચીત કરી હતી. વકીલોની સલાહ લીધી. આ કિસ્સામાં, દીપિકા તરફથી હજી કોઈ પ્રતિક્રિયા આવી નથી. દીપિકાની સાથે એનસીબીએ પણ કરિશ્માને સમન્સ પાઠવ્યું છે. ડ્રગ્સના જોડાણ પર પણ કરિશ્માની પૂછપરછ કરવામાં આવશે.

(4:08 pm IST)