Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

બડગામમાં આતંકીઓએ BDC ચેરમેનની હત્યા કરીઃ ભાજપના નેતાઓ સાથે હતી નિકટતા

આતંકીઓએ ઘર બહાર જ ફાયરિંગ કરીને BDC ચેરમેનની હત્યા કરીઃ ઉમર અબ્દુલ્લાએ ટવીટ કરી દુઃખ વ્યકત કર્યુ

શ્રીનગર, તા.૨૪: કાશ્મીર ખીણમાં સુરક્ષાદળો એક પછી એક આતંકીઓનો કામ તમામ કરી રહ્યા છે. આતંકીઓની કમર તૂટવાથી તેઓ ધૂંધવાયા છે અને પોતાનો ગુસ્સો નાગરિકો પર કાઢી રહ્યા છે. મળતી માહિતી મુજબ જમ્મુ અને કાશ્મીરના બડગામ  જિલ્લામાં બુધવારે આતંકીઓએ એક  બીડીસી (BDC) સભ્યની ઘર બહાર હત્યા કરી નાખી. BDC સભ્યની ઓળખ ભૂપિન્દર સિંહ તરીકે થઈ છે. તેઓ ખાગના બ્લોગ ડેવલપમેન્ટ કાઉન્સિલના અધ્યક્ષ હતા.

BDC ચેરમેન ભૂપિન્દર સિંહ સુરક્ષા વચ્ચે અનેક દિવસથી શ્રીનગરમાં રહેતા હતાં. ઘણા દિવસે તેઓ પોતાના દ્યરે પાછા ફર્યા હતાં. આ હુમલા બાદ સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન ચાલુ છે. આતંકીઓની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. મૃતકના પીએસઓની પણ પૂછપરછ ચાલુ છે. આતંકીઓએ ઘર  બહાર જ ફાયરિંગ કરીને BDC ચેરમેનની હત્યા કરી.

પૂર્વ મુખ્યમંત્રી અને NC નેતા ઉમર અબ્દુલ્લાએ BDC ચેરમેનની હત્યા પર દુઃખ વ્યકત કર્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે બીડીસી કાઉન્સિલર ભૂપિન્દર સિંહની હત્યા અંગે જાણીને ખુબ અફસોસ થયો. મુખ્ય પ્રવાહના ગ્રાઉન્ડ સ્તરના રાજનીતિક કાર્યકર આતંકીઓ માટે સરળ લક્ષ્ય છે.

ભૂપેન્દ્રસિંહ ભાજપ સાથે જોડાયેલા હતા. છેલ્લા કેટલાક દિવસથી ભાજપના નેતાઓ પર હુમલા થઈ રહ્યા છે અને તેમને હત્યા કરવામાં આવી રહી છે. આ અગાઉ ગત મહિને સરપંચ સજ્જાદ અહેમદ ખાંડેની પણ તેમના ઘરની બહાર આતંકીઓએ હત્યા કરી હતી. સરપંચ સજ્જાદ અહેમદ ખાંડેની હત્યા ૬ ઓગસ્ટના રોજ થઈ હતી. ભાજપના સરપંચ આરિફ અહેમદ ઉપર ૪ ઓગસ્ટની સાંજે અખાનના કાઝીગુંડમાં આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

(2:10 pm IST)