Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

રાફેલ ફાઈટર જેટ ઉડાવનારા પ્રથમ મહિલા પાઈલટ બનશે વારાણસીના શિવાંગી સિંહ

બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU)માંથી અભ્યાસ કરનારા લેફ્ટનન્ટ શિવાંગી સિંહ મહિલા પાઈલટસની બીજી બેચના સભ્ય છે

નવી દિલ્હી, તા.૨૪: ભારતીય સેના નારીના સશકત રૂપની સાક્ષી બની રહી છે. દેશના સૌથી જૂના ફાઈટર જેટથી લઈને સૌથી નવા ફાઈટર પ્લેનને ઉડાવવા ફ્લાઈટ લેફ્ટનન્ટ શિવાંગી સિંહ તૈયાર છે. તેઓ વિશ્વના સર્વોત્તમ શ્રેણી યુદ્ઘ વિમાનો પૈકીના એક રાફેલ ઉડાવનારા પહેલા મહિલા પાઈલટ બનશે. રાફેલ ભારતીય વાયુસેનામાં સામે મિગ-૨૧ 'બાઇસન'ની જગ્યા લેશે.

ઉત્તરપ્રદેશના વારાણસીના રહેવાસી ફ્લાઈટ લેફ્ટનન્ટ શિવાંગી સિંહ કન્વર્ઝન ટ્રેનિંગ પૂરી કર્યા પછી વાયુસેનાના અંબાલા બેસ પર ૧૭ 'ગોલ્ડન એરોઝ' સ્કવોડ્રનમાં ઔપચારિક એન્ટ્રી લેશે. કોઈપણ કોમ્બેટ પાઈલટ એક ફાઈટર જેટથી બીજાની કમાન સંભાળવા જાય છે ત્યારે તેમણે આ ટ્રેનિંગ લેવી પડે છે. જો કે, ૩૪૦ કિમી પ્રતિ કલાકની વિશ્વની સૌથી વધુ લેન્ડિંગ અને ટેકઓફ સ્પીડવાળા મિગ-૨૧ ઉડાવી ચૂકેલા શિવાંગી સિંહ માટે રાફેલ ઉડાવવું પડકારરૂપ નહીં હોય.

બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU)માંથી અભ્યાસ કરનારા લેફ્ટનન્ટ શિવાંગી સિંહ મહિલા પાઈલટ્સની બીજી બેચના સભ્ય છે. તેમનું કમિશનિંગ ૨૦૧૭માં થયું હતું. ઈન્ડિયન એરફોર્સમાં હાલ ૧૦ મહિલા ફાઈટર પાઈલટ્સ છે, જેમણે સુપરસોનિક જેટ ઉડાવવાની મુશ્કેલ તાલીમ લીધેલી છે. એક પાઈલટને ટ્રેનિંગ આપવાનો ખર્ચ ૧૫ કરોડ રૂપિયા છે.

ફ્લાઈટ લેફ્ટનન્ટ શિવાંગી સિંહ પહેલા રાજસ્થાનના ફોરવર્ડ બેસ પર તહેનાત હતા. અહીં તેમણે વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન સાથે ઉડાણ ભરી હતી. ઉલ્લેખનીય છે કે બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ ભારતીય હવાઈ સીમામાં ઘૂસવાની કોશિશ કરી રહેલા પાકિસ્તાની ફાઈટર જેટનો પીછો કરી રહેલા વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનનું મિગ-૨૧ પાકિસ્તાનની સીમામાં તૂટી પડ્યું હતું. બાદમાં પાકિસ્તાને તેમને બંદી બનાવ્યા હતા. જો કે, ભારતની ચેતવણીઓ અને આંતરરાષ્ટ્રીય દબાવના કારણે પાકિસ્તાને વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને સન્માનપૂર્વક છોડવા પડ્યા હતા.

ફાઈટર લેફ્ટનન્ટ અવની ચતુર્વેદી, ફ્લાઈટ લેફ્ટનન્ટ ભાવના કાંત અને ફ્લાઈટ લેફ્ટનન્ટ મોહના સિંહ ભારતીય વાયુ સેનામાં ફાઈટર જેટ ઉડાવનારા મહિલા પાઈલટ્સના બેચમાં સામેલ હતા. ૨૦૧૬માં તેમને બેઝિક ટ્રેનિંગ આપવામાં આવી હતી.

(12:51 pm IST)
  • આજથી 3 દિવસ માટે પંજાબ બંધ : કૃષિ બિલના વિરોધમાં 24 થી 26 સપ્ટેમ્બર દરમિયાન બંધનું એલાન : રેલ રોકો આંદોલનને કારણે અનેક રૂટની ટ્રેનો બંધ રહેશે : અમુક ટ્રેનોના સમય બદલાશે : વાહન વ્યવહાર ઉપર અસર થશે : આંદોલનકારીઓ પ્રત્યે નરમ વલણ અપનાવવા પોલીસ ડિપાર્ટમેન્ટને રાજ્ય સરકારની સૂચના : શાંતિપૂર્ણ આંદોલન કરવા અનુરોધ access_time 11:53 am IST

  • જમ્મુ કશ્મીર : બડગામના ચડોરા વિસ્તારમાં આતંકવાદીઓએ સીઆરપીએફ પાર્ટી પર હુમલો કર્યો : એક સીઆરપીએફ જવાન શહીદ : આતંકીઓ સીઆરપીએફ જવાનની સર્વિસ રાઇફિલ લઇને નાસી ગયા : આતંકીઓને શોધવા સેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરાયું access_time 9:47 am IST

  • મુંબઈમાં બેફામ વરસાદ વરસ્યા પછી મોડી રાત્રે વરસાદ હવે લગભગ જગ્યાએ રહી ગયો છે. છુટાછવાયા ઝાપટા પડી જાય છે. સવાર સુધી ઝાપટા પડવાનું ચાલુ રહેશે. સવારથી એ પણ ઓછું થઈ જશે. સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત ઉપર પણ વાદળા તદ્દન ઓછા થઈ ગયેલા નજરે પડે છે. કાલથી વાતાવરણ ચોખ્ખું થવા લાગશે. access_time 12:21 am IST