Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

રાજકોટમાં કોરોના કહેર યથાવત : નવા ૪૪ કેસ

કુલ કેસનો આંક ૫૪૮૭ : આજ દિવસ સુધીમાં ૪૨૮૭ દર્દીઓ ડિસ્ચાર્જ થતા રિકવરી રેટ ૭૮.૬૫ ટકાઃ ૮૨ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન કાર્યરત : ૪૯ હજાર ઘરોનો સર્વે

રાજકોટ,તા.૨૪: સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધતુ જાય છે ત્યારે રાજકોટ શહેરમાં પણ કોરોના કેસનાં આંકમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે  આજે પણ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં  ૪૪ પોઝીટીવ કેસ આવ્યા છે. તમામની સારવારની વ્યવસ્થા તથા પોઝીટીવ વ્યકિતનાં કોન્ટેકટમાં આવેલ લોકોને કોરન્ટાઇન કરવા સહીતની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૪૪ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૫૪૮૭  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૪૨૮૭ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૭૮.૬૫ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૪૭૯૭ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૧૦૮ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૧૭ ટકા થયો  હતો. જયારે ૧૦૯ દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  છ  મહિનામાં એટલે કે માર્ચ થી આજ દિન સુધીમાં ૧,૮૯,૩૬૦લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૫૪૮૭ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૮૭  ટકા થયો છે.

માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં ગઇકાલની સ્થિતિએ રંગીલા પાર્ક- કોઠારીયા રોડ, આર્યનગર- પેડક રોડ, ગિરનાર સોસાયટી- મવડી રોડ, રૂખડીયા કોલોની-એ.જી.સોસાયટી, વૃંદાવન સોસાયટી- કાલાવડ રોડ, આલાપ ગ્રીન સોસાયટી- રૈયારોડ, ગોલ્ડન પાર્ક-નાના મૌવા રોડ, આલાપ હેરિટેજ- સત્યસાંઇ રોડ, મેઘમાયા નગર- નાનામૌવા રોડ    સહિતના વિસ્તારોમાં ૮૨ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન (એટલે કે કોરોના પોઝિટિવનું મકાન અને તેની આસપાસના બેથી ત્રણ મકાનના વિસ્તારનો ૧ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન) કાર્યરત છે.

૪૯ હજાર ઘરોનો સર્વેઃ ૧૯ લોકોને તાવ,શરદી-ઉધરસના લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૪૯,૩૨૬ ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૧૯ વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.   જ્યારે યોગેશ્વર, શ્રેયાંસ સોસાયટી, આરાધના સોસાયટી, જંકશન પ્લોટ, શાસ્ત્રીનગર, રાજવી નગર, હંસરાજ નગર, બેડીપરા, લાતી પ્લોટ, નંદનનગર, અક્ષરપાર્ક, શકિતપાર્ક, ચિત્રકુટ પાર્ક સહિતનાં વિસ્તારોમાં ૫૦ ધનવંતરી રથ મારફત ૧૧,૨૩૬ લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

(2:50 pm IST)