Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

સુશાંતને જોઈને પાકિસ્તાની યુવાને પત્નીને ભેટ આપવા ચંદ્ર પર જમીન ખરીદી

ચાંદ પર જમીન ખરીદવી મોંઘી નથી, પરંતુ એની દસ્તાવેજની પ્રક્રિયા બહુ અટપટી છે

કરાંચી,તા.૨૪ : કહેવાય છે કે પ્રેમિકાને ચાંદ પરથી તારા તોડી લાવી આપવાનાં વચનો આપતાં પણ પ્રેમી અચકાતા નથી. જોકે કેટલાક પ્રેમીઓ ચાંદનો ટુકડો ખરીદી આપવામાં પાછા પડતા નથી. પાકિસ્તાનના રાવલપિંડીમાં રહેતા સોહેબ અહમદ નામના માણસે બોલીવુડના સ્વર્ગીય અભિનેતા સુશાંત સિંહ રાજપૂતથી પ્રેરાઈને તેની પત્નીને લગ્નની ભેટ તરીકે ચંદ્ર પર એક એકર જમીન ખરીદી છે. ચંદ્ર પરના સી ઓફ વેપર નામના સ્થળ પર ૩૩૦૯.૫૭ રૂપિયામાં ઇન્ટરનેશનલ લ્યુનાર લેન્ડ્સ રજિસ્ટ્રી પાસેથી જમીનની ખરીદી કરી છે.

સુશાંત સિંહ રાજપૂતે ૨૦૧૮માં મેરે મસ્કોવિએન્સ અથવા 'મસ્કવીનો સી' કહેવાતા ક્ષેત્રમાં એક એકર જમીન ખરીદી હતી. ટોમ ક્રુઝ અને શાહરૂખ ખાન સહિત અન્ય ઘણી સેલિબ્રિટીએ ચંદ્ર પર જમીન ખરીદી છે.

સોહેબ અહમદની પત્નીએ જયારે પતિની આ અનોખી ગિફ્ટ વિશે તેની સહેલીઓને વાત કરી ત્યારે પહેલાં તો કોઈ સાચી માનવા તૈયાર નહોતું. જયારે તેણે જમીનની ખરીદીના દસ્તાવેજ બતાવ્યા ત્યારે લોકો માન્યા. જોકે હવે તેની સહેલીઓના ઘરે રમખાણ મચ્યું છે. પોતાની સહેલીનું જોઈને તેની બીજી એક ફ્રેન્ડે પણ પોતાના ફિયાન્સ પાસે લગ્નની ભેટ તરીકે ચાંદ પર જમીનનો ટુકડો માગ્યો છે. ચાંદ પર જમીન ખરીદવી મોંઘી નથી, પરંતુ એની દસ્તાવેજની પ્રક્રિયા બહુ અટપટી છે.

(11:30 am IST)