Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

CAGએ પોલ ખોલી : ૧૫ રાજ્યોની ૭૫% સરકારી સ્કુલોમાં ટોયલેટની સફાઇ નથી થતી

દેશના બાળપણને સ્વચ્છ ભારત અભિયાનના પાઠ ભણાવવાની જવાબદારી રાખતી સરકારી સ્કુલો જ ગંદકીના ઢગલામાં ચાલી રહી છેઃ ૧૧% ટોયલેટ માત્ર કાગળ પર જ બન્યા : સરકારી સ્કુલોમાં નથી સાબુની વ્યવસ્થા કે નથી પાણીની વ્યવસ્થા : અનેક સ્કુલોમાં છોકરા-છોકરીઓ માટે હજુ અલગ ટોયલેટ નથી

નવી દિલ્હી તા. ૨૪ : સીએજીના એક રિપોર્ટ અનુસાર સરકારી સ્કુલોમાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. એટલું જ નહિ ૭૫ ટકા સ્કુલોમાં ટોયલેટની સફાઇ પણ નથી થતી. સ્વચ્છ ભારત અભિયાનના પાઠ ભણતા વિદ્યાર્થીઓ ગંદકીના ઢગલા વચ્ચે અભ્યાસ કરી રહ્યા છે. ૧૫ રાજ્યના ૭૫ ટકા સરકારી સ્કુલોના ટોયલેટમાં સાફસફાઇની પૂરતી વ્યવસ્થા નહિ હોવાની વાત સીએજીએ ગઇકાલે સંસદમાં રજૂ કરેલા ઓડીટ રિપોર્ટમાં જણાવી છે.

એટલું જ નહિ કેન્દ્ર સરકારની કંપનીઓ તરફથી સ્કુલોમાં બનાવવામાં આવેલ ૧૧ ટકા ટોયલેટ પોતાની જગ્યાએથી ગાયબ થઇ ગયા છે. તેઓનું નિર્માણ ફકત કાગળ પર જ કરવામાં આવ્યું હતું. જ્યારે ૩૦ ટકા ટોયલેટ સંચાલીત જ નથી થયા.

સીએજીએ ૧૫ રાજ્યોની ૨૦૪૮ સ્કુલોના એવા ૨૬૯૫ ટોયલેટનું ઓડીટ કર્યું હતું. આ ટોયલેટ ૨૦૧૪માં શિક્ષણ મંત્રાલયની અપીલ પર ચાર મંત્રાલયની સરકારી કંપનીઓ તરફથી બનાવવામાં આવ્યા હતા. જેમાં ૧૩૦૭૦૩ બનાવાયા હતા અને તેમની પાછળ ૨૧૬૨ કરોડનો ખર્ચ થયો હતો.

રિપોર્ટ અનુસાર સર્વે દરમિયાન ૨૩૨૬ સ્કુલના ટોયલેટમાંથી ૧૮૧૨ અત્યંત ખરાબ સ્થિતિમાં હતા. દિવસમાં ઓછામાં એક વખત સફાઇ કરવાના નિયમની વિરૂધ્ધ આમાથી ૭૧૫ની સફાઇ જ નહોતી થઇ. જ્યારે ૧૦૯૭ ટોયલેટમાં સપ્તાહમાં બેવારથી લઇને મહિનામાં એક વખત સફાઇ કરવામાં આવી હતી.

રિપોર્ટ અનુસાર ૨૦૦ ટોયલેટ માત્ર કાગળ પર જ બનાવવામાં આવ્યા હતા. જ્યારે ૮૬નું નિર્માણ માત્ર આંશિક થયું હતું. એવા ૮૩ ટોયલેટ મળ્યા જેમનું નિર્માણ પહેલેથી અન્ય યોજનામાં થઇ ચૂકયું હતું.

સીએજીના રિપોર્ટ અનુસાર ૯૯ સ્કુલોમાં કોઇ ટોયલેટ જ નહોતું તો ૪૩૬ સ્કુલોમાં એક જ ટોયલેટનો ઉપયોગ થતો હતો. એટલે કે ૨૭ ટકા સ્કુલોમાં છોકરા - છોકરીઓ માટે અલગ ટોયલેટ નહોતું.

સર્વેમાં ૭૨ ટકા એટલે કે ૧૬૭૯ સ્કુલોમાં ટોયલેટ બાદ સફાઇ માટેની કોઇ સુવિધા ન્હોતી. જ્યારે ૫૫ ટકા એટલે કે ૧૨૭૯ સ્કુલોમાં હાથ ધોવા માટે સાબુ કે પાણી પણ નહોતું.

(11:22 am IST)