Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

મૃત્યુ આંક ઘટી રહ્યો છે, પરંતુ તંત્રના આંક લોકોને ગોટે ચઢાવે છે...

આજે ૧૬ના મોત : તંત્રની યાદીમાં માત્ર બેના મૃત્યુ

શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૧૨૦૬ બેડ ખાલી

રાજકોટ, તા. ૨૪: કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે રાજકોટ શહેર અને જીલ્લામાં સતત ત્રીજા દિવસે મૃત્યુ આંકમાં ઘટાડો થયો છે.આજે માત્ર ૧૬ના મોત થયા છે.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી બે જ મૃત્યુની નોંધ થઇ છે.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૨૩નાં સવારે ૮ વાગ્યાથી તા.૨૪ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લાના ૧૬ દર્દીઓએ દમ તોડી દીધા હતો.

તંત્રની સતાવાર યાદીમાં કોવીડ-નોન કોવીડ થી શહેર-જીલ્લામાં ૧૬નાં મૃત્યુ જાહેર થયા છે. જયારે તે જ યાદીમાં સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી બે જ મૃત્યુ જાહેર કરવામાં આવતા લોકોમાં ભારે અસમંજસતા ફેલાઇ રહી છે. કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં  ૧૨૦૬ બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે. પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે . જયારે શહેર-જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મૃત્યુઆંકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે ૨૧, મંગળવારે ૧૯ તથા ગઇકાલે બુધવારે માત્ર ૧૭ મોત થયા છે.

કોરોના મૃત્યુ આંક અંગે ડેથ કમિટી અને હોસ્પીટલના આંકડા જુદા જુદા જાહેર થતા અસંમજસતા

ડો. રાહુલ ગુપ્તા સહિતનાં જવાબદાર અધિકારીઓ યોગ્ય કરે તે જરૂરી

રાજકોટ : શહેર જીલ્લામાં કોરોનાં મૃત્યુ આંક અંગે કોવિડ-ડેથ કમીટી અને તંત્ર દ્વારા જાહેર થતા આંકડાઓમાં જમીન-આસમાનનો ફેર આવે છે. તેથી લોકોમાં ભારે અસમંજસતાં ફેલાઇ છે. કેમકે હોસ્પિટલો દ્વારા જે મૃત્યુ આંક જાહેર થાય છે તે બે આંકડામાં હોય છે. જયારે સરકાર નિયુકત ડેથ કમિટી રોજ ૧ કે મૃત્યુ જ કોરોનાથી થતા હોવાનું જાહેર કરે છે.  આ બાબતે સ્પષ્ટ હકિકત જાહેર કરવા અંગે પ્રભારી ડો. રાહુલ ગુપ્તા, ઇન્ચાર્જ કલેકટર શ્રી રાણાવસિયા સહિતનાં જવાબદાર અધિકારીઓનો સંપર્ક સાધતાં તેઓનાં ફોન સતત વ્યસ્ત આવતાં હતાં. આ બાબતે અધિકારીઓએ સ્પષ્ટ હકિકત જાહેર કરે તે જરૂરી છે.

(3:40 pm IST)