Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

પીએફ વ્યાજદર વધારી ૮.૬૫ ટકા કરી દેવાયો

છ કરોડથી પણ વધુ ખાતા ધારકોને સીધો લાભ : તહેવારની સિઝન શરૂ થાય તે પહેલા જ પીએફ વ્યાજદર વધારવાને મંજુરી મળી : શ્રમમંત્રી દ્વારા જાહેરાત કરાઈ

નવી દિલ્હી, તા. ૨૪ : તહેવારની સિઝન શરૂ થાય તે પહેલા જ સરકારે આજે પગારદાર અને નોકરીયાત વર્ગને મોટી રાહત આપી હતી. સરકારે પીએફ ઉપર વ્યાજદરમાં વધારો કરવાની મંજુરી આપી દીધી છે. શ્રમ મંત્રાલય દ્વારા ૨૦૧૮-૧૯ માટે એમ્પ્લોઇઝ પ્રોવિડંડ ફંડ પર ૮.૬૫ ટકાના વ્યાજદરને મંજુરી આપી દીધી છે. નાણાંકીય વર્ષ ૨૦૧૯ માટે ૮.૬૫ ટકાના વ્યાજદરને મંજુરી આપી દીધી છે. ઇપીએફઓના છ કરોડથી વધુ લોકોને આના કારણે સીધો ફાયદો થશે. નાણામંત્રાલય દ્વારા ઇપીએફ ઉપર ૮.૬૫ ટકાના વ્યાજદરને લીલીઝંડી આપી દીધી છે. શ્રમ મંત્રાલય દ્વારા આ સંદર્ભમાં નોટિફિકેશન જારી કરી દેવામાં આવ્યું છે.

                   ઇપીએફઓ માટે નિર્ણય લેનાર ટોચની સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીએ ગયા નાણાંકીય વર્ષ માટે આ ફેબ્રુઆરી મહિનામાં ૮.૬૫ ટકા વ્યાજદરને મંજુરી આપી હતી પરંતુ વ્યાજદરમાં વધારાના પ્રસ્તાવને મંજુરી માટે નાણામંત્રાલયની પાસે મોકલી દેવામાં આવ્યો હતો. જો કે, શ્રમમંત્રી સંતોષ ગંગવારે મંગળવારના દિવસે મિડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે તહેવારની સિઝન શરૂ થતાં પહેલા ઇપીએફઓના છ કરોડથી વધુ સભ્યોને ૨૦૧૮-૧૯ માટે ડિપોઝિટ રકમ ઉપર ૮.૬૫ ટકા વ્યાજદર મળશે. હાલમાં ઇપીએફઓ ખાતાઓમાં ક્લેઇમના નિકાલ પર ૮.૫૫ ટકા વ્યાજદર લાગૂ કરવામાં આવી રહ્યો હતો. આ દર ૨૦૧૭-૧૮થી અમલી હતો. નિવેદન જારી કરીને શ્રમમંત્રી ગંગવારે કહ્યું હતું કે, તેમને આ જાહેરાત કરતા ખુશી થઇ રહી છે કે, ઇપીએફ પર વ્યાજદર ૮.૬૫ ટકા થઇ ગયો છે. નાણામંત્રાલય તરફથી ૧૯મી સપ્ટેમ્બરના દિવસે મંજુરી મળી ગઈ હતી. આ નિર્ણયના લીધે ૨૦૧૮-૧૯માં છ કરોડથી વધુ ઇપીએફ ખાતાધારકોના ખાતામાં ૮.૬૫ ટકાના વ્યાજદર તરીકે ૫૪૦૦૦ કરોડ રૂપિયા જમા થશે.

(8:34 pm IST)