Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ગુજરાત રાજ્યના કૃષિ વિભાગને ‘‘કૃષિ કર્મણ એવોર્ડ’ જાહેર: કઠોળ પાકના ઉત્પાદનની ઉત્કૃષ્ટતા માટે કેન્દ્રના ‘‘કૃષિ કર્મણ’’ એવોર્ડ અન્વયે ૧ કરોડનો પુરસ્કાર મળશે

૯.૦૮ લાખ હેકટરમાં કઠોળ વાવેતરથી ૯.રર લાખ મે.ટન કઠોળનું ઉત્પાદન મેળવાયું :મુખ્યમંત્રી રૂપાણીએ પાઠવ્યા અભિનંદન

નવી દિલ્હી : ગુજરાતે દેશના મોડેલ સ્ટેટ તરીકે મેળવેલી ગૌરવ  સિદ્ધિમાં વધુ એક યશકલગી કૃષિ વિભાગને પ્રાપ્ત થઇ છે.  ભારત સરકાર દ્વારા ર૦૧૭-૧૮ના વર્ષમાં કઠોળ પાકોના ઉત્પાદન અને ઉત્પાદકતાની ઉત્કૃષ્ટતા માટે રાજ્ય સરકારના કૃષિ વિભાગને ‘કૃષિ કર્મણ એવોર્ડ’ જાહેર કરવામાં આવ્યો છે. આ એવોર્ડ અંતર્ગત કૃષિ વિભાગને ૧ કરોડનો પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર મળશે. 

   મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના કૃષિ વિભાગ દ્વારા કઠોળ પાકોના ઉત્પાદનની વૃદ્ધિ માટે ખેડૂતોને આપવામાં આવેલા તાંત્રિક જ્ઞાન અને વિસ્તરણ તંત્રની મહેનત – પરિશ્રમની ફલશ્રુતિએ આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવવા માટે સમગ્ર વિભાગને અને કિસાનશકિતને અભિનંદન પાઠવી બિરદાવ્યા છે. 

   કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ગુજરાતના કૃષિ મંત્રી આર. સી. ફળદુને પત્ર પાઠવીને આ એવોર્ડ પ્રાપ્ત થયાની જાણકારી સાથે અભિનંદન આપ્યા છે. 

  અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ર૦૧૭-૧૮ના વર્ષ દરમ્યાન કુલ ૯.૦૮ લાખ હેકટર વિસ્તારમાં કઠોળ પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ વાવેતર વિસ્તારમાં ૯.રર લાખ મેટ્રિક ટન કઠોળનું ઉત્પાદન રાજ્યના ધરતીપુત્રોએ મેળવેલું છે. એવરેજ પ્રતિ હેકટર ૧૦૧પ કિલો ગ્રામ કઠોળ નું ઉત્પાદન રાજ્યમાં મેળવાયું છે. 

   ઉપરાંત  ચણાની ઉત્પાદકતા હેકટર દીઠ ૧ર૮૩ કિ.ગ્રામ તેમજ તુવેરની ઉત્પાદકતા હેકટર દીઠ ૧ર૪૪ કિ.ગ્રામ નોંધાઇ છે. આ ઉપરાંત મગ, અડદ અને મઠ જેવા અન્ય કઠોળ પાકોનો પણ ઉત્પાદન વૃદ્ધિ રાજ્યના કિસાનોએ મેળવી છે. 

દેશના રાજ્યોમાં અનાજ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના હેતુસર ભારત સરકાર દ્વારા વિવિધ શ્રેણીમાં ઉત્તમ કામગીરી કરનારા રાજ્યોને આ ‘‘કૃષિ કર્મણ એવોર્ડ’’થી વર્ષ ર૦૧૦-૧૧થી સન્માનિત કરવામાં આવે છે

(8:13 pm IST)