Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

કાશ્મીરી યુવાઓના મનમાં નોકરી, જમીન જવાનો ભય

ભયને દૂર કરવામાં આવે તે જરૂરી : મોહન ભાગવત : વિદેશી પત્રકારોની સાથેની વાતચીતમાં કલમ ૩૭૦, મોબ લિંચિંગ, સજાતિય સંબંધ સહિતના મુદ્દાઓ પર વાત કરી

નવીદિલ્હી,તા.૨૪ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે આજે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરના લોકોને આ બાબતનો વિશ્વાસ અપાવવાની જરૂર છે કે, રાજ્યના સ્પેશિયલ સ્ટેટસને ખતમ કરી દેવામાં આવ્યા બાદ તેની નોકરી ઉપર જમીન પર  કોઇ ખતરો નથી. મોહન ભાગવતે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરના યુવાનોને હાલમાં એવો ભય સતાવી રહ્યો છે કે, તેમની નોકરી અને જમીન હાથમાંથી નિકળી જશે. આવી સ્થિતિમાં તેમની આ દહેશત દૂર કરવાની જરૂર દેખાઈ રહી છે. આજે વિદેશી મિડિયા સાથે વાતચીત કરતા ભાગવતે કહ્યું હતું કે, કલમ ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદ જમ્મુ કાશ્મીરના યુવાનોના મનમાં નોકરી અને જમીન જવાનો ભય દેખાઈ રહ્યો છે. આ ભય દૂર થાય તે જરૂરી છે. કલમ ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદથી ભારતની સાથે તેમની એકતામાં વધારો થઇ શકે છે.

                    વિદેશી મિડિયા સાથેની વાતચીતમાં એમ પણ કહ્યું હતું કે, કાશ્મીરીઓને હજુ સુધી જુદી જુદી રીતે રાખવામાં આવી રહ્યા હતા પરંતુ કલમ ૩૭૦ દૂર થયા બાદ હવે બાકીના ભારતના રાજ્યો સાથે તેમના સંપર્ક અને અન્ય એકતાની અડચણો દૂર થઇ ચુકી છે. સંઘ તરફથી નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું છે કે, આ કાર્યક્રમ સંગઠન તરફથી જુદા જુદા ક્ષેત્રોમાં લોકોની સાથે વાતચીત કરવાના એક હિસ્સા તરીકે છે. કાશ્મીરમાં બહારના લોકોના જમીન ખરીદવાના મામલે સ્થાનિક લોકોમાં ભય જોવા મળે છે. આ ભયને દૂર કરવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, કાશ્મીરી લોકોના મનમાં જે પણ દહેશત છે તે દૂર થવી જોઇએ. આસામમાં નેશનલ રજિસ્ટર્ડ ઓફ સિટિઝનના મુદ્દે મોહન ભાગવતે કહ્યું હતું કે, આ લોકોને કાઢવા માટે નથી બલ્કે નાગરિકોની ઓળખ માટે છે. સુત્રોના કહેવા મુજબ ભારતને છોડીને દુનિયામાં હિન્દુઓ માટે અન્ય કોઇ દેશ નથી. સજાતિય સંબંધોને લઇને પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં મોહન ભાગવતે કહ્યું હતું કે, અસામાન્યના બદલે વિવિધતા તરીકે જોવાની જરૂર છે.

સંઘના વડાએ સજાતિય સંબંધોને પણ સમાજના અન્ય લોકોની જેમ જ બરોબરીનો દરજ્જો આપવાની વાત કરી હતી. મોબ લિંચિંગને લઇને સંઘના વડાએ કહ્યું હતું કે, સંઘ કોઇપણ પ્રકારની હિંસાનો વિરોધ કરે છે. સ્વયંસેવકોને આવી ઘટનાઓને રોકવાના પ્રયાસ કરવા જોઇએ. જો કોઇ સ્વયંસેવક આવી ઘટનાઓમાં દોષિત આવશે તો સજા કરવામાં આવશે. તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. જો કોઇ સ્વયંસેવક દોષિત આવશે તો અમે સમર્થન કરવાના બદલે તેની સામે કાનૂન મુજબ પગલા લેવા સૂચના આપીશું.

(7:46 pm IST)