Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ગુગલ, વોટ્સએપ, ટ્વિટર, યુટ્યુબ પાસે જવાબની માંગ

ફેસબુક દ્વારા કેસોના ટ્રાન્સફરની અરજી કરાઈઃ હાઈકોર્ટના જુદા જુદા અભિપ્રાય આવી રહ્યા છે : ફેસબુક

નવીદિલ્હી, તા. ૨૪ : કેન્દ્ર સરકાર, ગુગલ, વોટ્સએપ, ટ્વિટર, યુટ્યુબ અને અન્યો તરફથી જવાબની માંગણી સુપ્રીમ કોર્ટ દ્વારા અગાઉ ૨૦મી ઓગસ્ટના દિવસે કરવામાં આવી હતી. ફેસબુક દ્વારા કેસોના ટ્રાન્સફરની માંગ કરતી અરજી પર આ તમામ પાસેથી જવાબની માંગ કરવામાં આવી હતી. આધાર સાથે સોશિયલ મિડિયા એકાઉન્ટને લિંક કરવા સાથે સંબંધિત કેસોના ટ્રાન્સફરને લઇને દુવિધાભરી સ્થિતિ સર્જાઈ હતી. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં હવે આ મામલો પહોંચી ચુક્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસોને ટ્રાન્સફર કરવાની માંગ કરીને ફેસબુકે રજૂઆત કરી હતી કે, સર્વિસ પ્રોવાઈડરને ક્રિમિનલ તપાસમાં મદદરુપ થવા માટે કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં મામલો સુપ્રીમ કોર્ટમાં જવો જોઇએ. સોશિયલ મિડિયાની મહાકાય કંપની ફેસબુકની એવી દલીલ હતી કે, જુદી જુદી હાઈકોર્ટ દ્વારા વિરોધાભાષી વલણ અપનાવવામાં આવે છે.

               આવી સ્થિતિમાં ગુંચવણ રહેલી છે જેથી જો કેસોને સુપ્રીમમાં સાંભળવામાં આવશે તો જ ફાયદો થશે. તેના દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે, પ્રાઇવેશીને લઇને યુઝરોની ચિંતાને આવરી લેતા થર્ડ પાર્ટીના ડેટાની વહેંચણી દેશભરમાં ફેલાઈ જાય છે. ટોપ કોર્ટે ફેસબુક અને વોટ્સએપ સહિતની સોશિયલ મિડિયા કંપનીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. રાજ્ય સરકારની દલીલ એવી રહી છે કે, ફેસબુક અને વોટ્સએપ જેવી કંપનીઓ કેટલીક બાબતોને લઇને અડચણો ઉભી કરી રહી છે. સોશિયલ મિડિયાના વધતા જતાં દુરુપયોગને લઇને હવે સુપ્રીમ કોર્ટે લાલઆંખ કરી છે.

(7:44 pm IST)