Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

સોશિયલ મિડિયાના દુરુપયોગને રોકવા માર્ગદર્શિકા માટેનો આદેશ

ટેકનોલોજીએ ખતરનાક વળાંક લઇ લીધો છે : સુપ્રીમ કોર્ટે ની કબૂલાત : માત્ર ત્રણ સપ્તાહમાં પગલા અંગે વાકેફ કરવા કેન્દ્રને સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો સોશિયલ મિડિયા પ્લેટફોર્મ દ્વારા ખતરનાક મેસેજો તેમજ કન્ટેઇન્ટ ચિંતાજનક

નવીદિલ્હી,તા. ૨૪ : દેશમાં સોશિયલ મિડિયાના વધતા જતાં દુરુપયોગને લઇને સુપ્રીમ કોર્ટે આજે ગંભીર નોંધ લીધી હતી. સુપ્રીમ કોર્ટે ટેકનોલોજી દ્વારા ખતરનાક વળાંક લઇ લેવામાં આવ્યા બાદ આજે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, સોશિયલ મિડિયાના દુરુપયોગને રોકવા માટેની જરૂરીયાત દેખાઈ રહી છે. માર્ગદર્શિકા સાથે બહાર આવવા કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. આના માટે ત્રણ સપ્તાહની અંદર જ તેને માહિતગાર કરવા માટે પણ સૂચના આપી છે. સોશિયલ મિડિયાના દુરુપયોગને લઇને દેશભરમાં હાલ ભારે ચર્ચા જોવા મળી રહી છે. હાલમાં સરકારે ચોક્કસપણે જુદા જુદા પગલા સોશિયલ મિડિયાના દુરુપયોગને રોકવા માટે લેવા જોઈએ. જસ્ટિસ દીપક ગુપ્તા અને અનુરુદ્ધ બોઝની બનેલી બેંચે કહ્યું હતું કે, કેટલાક સોશિયલ મિડિયાના પ્લેટફોર્મ એવા બની ગયા છે જે મેસેજોને મોકલનાર અથવા તો ઓનલાઈન કન્ટેઇન્ટને લઇને ભાળ મેળવવામાં પણ નિષ્ફળ છે જે ખુબ જ ખતરનાક બાબત હોઈ શકે છે.

                 બેંચે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટ આ વૈજ્ઞાનિક મુદ્દા ઉપર નિર્ણય લેવા માટે સક્ષમ નથી. આ કામ સરકારનું છે. આ તમામ મુદ્દાઓને હાથ ધરવા યોગ્ય માર્ગદર્શિકા સાથે સરકારને બહાર આવવાની જરૂર દેખાઈ રહી છે. ટોપ કોર્ટે અગાઉ કેન્દ્ર સરકારને કેટલીક સૂચના આપી હતી જેના ભાગરુપે ૧૨ ડિજિટના બાયોમેટ્રિક યુનિટ આધાર સાથે યુઝરના સોશિયલ મિડિયા એકાઉન્ટને લિંક કરવા માટે માર્ગદર્શિકા અથવા તો ફ્રેમવર્ક તૈયાર કરવા કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે કે કેમ તે અંગે ખુલાસો કરે તે જરૂરી છે. આ મામલાના સંદર્ભમાં કોર્ટે કહ્યું હતું કે, કન્ટેઇન્ટ મોકલનાર અથવા તો વાંધાજનક મેસેજો કરનાર લોકોને ઓળખી કાઢવાની જરૂરિયાત દેખાઈ રહી છે. આ સંદર્ભમાં દાખલ કરવામાં આવેલા એક કેસ ઉપર સુનાવણી કરતી વેળા સુપ્રીમ કોર્ટે આ મુજબની વાત કરી હતી. ફેસબુક દ્વારા હાલમાં જ અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં આધાર સંબંધિત કેસોને ટ્રાન્સફર કરવાની માંગ કરવામાં આવી હતી.

                 મદ્રાસ, મુંબઈ અને મધ્યપ્રદેશમાં જુદી જુદી કોર્ટમાં પેન્ડિંગ રહેલા કેસોને તેની સમક્ષ મોકલવાની માંગ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે કોર્ટમાં કહ્યું હતું કે, કેસને ટ્રાન્સફરને લઇને કોઇ વાંધો નથી. કારણ કે આવા કેસો ઉપર હાઈકોર્ટ દ્વારા ખુબ સમય ગાળવામાં આવ્યો છે. ફેસબુક અને ઇન્સ્ટન્ટ્સ મેસેજિંગ એપ વોટ્સએપ દ્વારા જણાવવામાં આવ્યું છે  કે, મદ્રાસ હાઈકોર્ટના ચુકાદા સામે બે અરજી દાખલ કરવામાં આવી છે. તમિળનાડુ સરકારે ટ્રાન્સફર અરજીના જવાબમાં દાવો કરાયો હતો કે, ફેસબુક અને અન્ય સોશિયલ મિડિયા કંપનીઓ ભારતીય કાયદાઓને પાળી રહી નથી જેના પરિણામ સ્વરુપે ક્રાઈમને શોધી કાઢવામાં સફળતા મળી રહી નથી. મુશ્કેલી વધી ગઈ છે. આધાર સાથે સોશિયલ મિડિયા પ્રોફાઇલને લિંક કરવા માટે દાખલ કરવામાં આવેલી અરજીઓ ઉપર સુનાવણી જારી રાખવાના મદ્રાસ હાઈકોર્ટના આદેશને લઇને પણ રજૂઆત કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટે સુનાવણી જારી રાખવા સુપ્રીમ કોર્ટના આદેશને લઇને સુધારા કરવાની માંગ તમિળનાડુ સરકાર તરફથી કરવામાં આવી હતી. જુદા જુદા પ્રકારના ક્રિમિનલ કેસોનો ઉલ્લેખ કરતા રાજ્ય સરકારે કહ્યું હતું કે, લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ દ્વારા કંપનીઓ પાસેથી માહિતી મેળવવાના પ્રયાસ થઇ રહ્યા છે પરંતુ કોઇ નિકાલ આવી રહ્યો નથી.

(7:42 pm IST)