Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

રજીએ મોદીના હસ્તે AIIMSનું ખાતમુર્હુત-નવી સિવિલનું લોકાર્પણ

રાજકોટનાં આંગણે સુવર્ણ અવસરઃ વડાપ્રધાનના ભવ્ય સ્વાગત માટેની તૈયારીઓ શરૃઃ કબા ગાંધીના ડેલાની પણ મુલાકાત લેશે : જામનગર રોડ પર ૧ર૦૦ કરોડના ખર્ચે એમ્સનું થશે નિર્માણઃ સિવિલ હોસ્પીટલના સંકુલમાં નિર્માણ પામેલી નવી અદ્યતન હોસ્પીટલને ખુલ્લી મુકશે

રાજકોટ, તા. ૨૪ :. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી બીજી ઓકટોબરને ગાંધી જયંતિના દિવસે બહુચર્ચિત એઈમ્સના ખાતમુહુર્ત અને સિવીલ હોસ્પીટલના સંકુલમાં નિર્માણ પામેલી અદ્યતન હોસ્પીટલના લોકાર્પણ માટે રાજકોટ આવી રહ્યા હોવાનું ટીવી અહેવાલો જણાવી રહ્યા છે. જો કે વડાપ્રધાનના રાજકોટના કાર્યક્રમ અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી બહાર આવી નથી.

ટીવી અહેવાલો અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ હાલ અમેરિકાની મુલાકાતે છે તેઓ ત્યાંથી પરત આવ્યા બાદ ૨જી ઓકટોબરના રોજ રાજકોટ સિવીલ હોસ્પીટલનું લોકાર્પણ અને એઈમ્સના ખાતમુહુર્ત માટે આવી રહ્યા છે. આ અંગેનો કાર્યક્રમ પણ ઘડવામાં આવી રહ્યો છે. અહેવાલો અનુસાર તેઓ કબા ગાંધીના ડેલાની પણ મુલાકાત લેશે એટલુ જ નહિ એક જાહેરસભાને પણ સંબોધન કરશે.

અત્રે એ નોંધનીય છે કે, જામનગર રોડ પર ખંઢેરી નજીક ૧૨૦૦ કરોડના ખર્ચે રાજ્યની સર્વપ્રથમ એઈમ્સ હોસ્પીટલને કેન્દ્ર સરકારે મંજુરી આપી છે અને આ માટે રૂ. ૧૨૦૦ કરોડનો ખર્ચ પણ મંજુર કરવામાં આવ્યો છે. ૭૫૦ બેડવાળી આ હોસ્પીટલ ૨૦૨૨માં કાર્યરત થઈ જાય તે માટેનુ લક્ષ્યાંક રાખવામાં આવ્યુ છે. એઈમ્સ બનવાથી ગુજરાતમાં તબીબી ક્ષેત્રમાં રીસર્ચને પણ પ્રોત્સાહન મળશે. એઈમ્સના નિર્માણ માટે જમીન સંપાદનનું કાર્ય પણ નિપટાવી લેવામાં આવ્યુ છે. હવે ખાતમુહુર્ત થશે એટલે તેના બાંધકામના કામકાજનો પણ પ્રારંભ થશે.

રાજકોટના સીવીલ હોસ્પીટલના સંકુલમાં ૧૦ માળની અદ્યતન હોસ્પીટલ નિર્માણ પામી છે. અદ્યતન સાધન સુવિધાઓ સાથેની આ હોસ્પીટલમાં દરેક પ્રકારના દર્દનો ઈલાજ શકય બનશે. આ હોસ્પીટલ ગરીબ દર્દીઓ માટે આશિર્વાદરૂપ બનશે. એટલુ જ નહિ સૌરાષ્ટ્રના દર્દીઓ પણ તેનો લાભ લઈ શકશે. અદ્યતન ઓપરેશન થીયેટર, અદ્યતન સાધનો સાથેની આ હોસ્પીટલનું નિર્માણ પણ ટૂંકાગાળામાં સંપન્ન કરવામાં આવ્યુ છે.

દરમિયાન એડી. કલેકટરનો સંપર્ક સાધતા તેમણે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવેલ કે અમને કોઈ સત્તાવાર માહિતી આવી નથી કે સરકાર તરફથી કોઈ સૂચના પણ નથી, આવી માહિતી જીએડીમાં પણ નથી.

બીજી બાજુ રાજકોટ દૂરદર્શનના અમુક કર્મચારીઓ દ્વારા કલેકટર કચેરી ખાતે સત્તાવાર કાર્યક્રમ અંગે આજે રૂબરૂ પૂછાણ કરતા કર્મચારીઓમાં હલચલ મચી ગઈ હતી.

(3:19 pm IST)