Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

આલેલે ... હવે ડુંગળીની ચોરી

સ્ટોર હાઉસમાં રાખવામાં આવેલી ૨૫ ટન ડુંગળી ગાયબ થઇ ગઇ

નાશિક, તા.૨૪: દેશમાં એકતરફ ડુંગળીના ભાવ આસમાનને આંબી રહ્યા છે ત્યારે હવે સોનાને બદલે ડુંગળીની ચોરી થવાની ફરિયાદો પણ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના એક ખેડૂતે પોતાની એક લાખની કિંમતની ડુંગળી ચોરાઈ ગઈ હોવાની પોલીસમાં ફરિયાદ કરી છે. કેટલાક અજાણ્યા શખ્સો વિરુદ્ઘ પોલીસે ફરિયાદ નોંધીને તપાસની કાર્યવાહી હાથ ધરી છે.

કાલવણ તાકુલાના પોલીસ ઈન્સ્પેકટર પ્રમોદ વાદ્યે જણાવ્યા મુજબ ખેડૂત રાહુલ બાજીરાવ પગારે ઉનાળુ પાક.નો સંગ્રહ એક સ્ટોર હાઉસમાં કર્યો હતો. અંદાજે ૧૧૭ પ્લાસ્ટિક કેરેટમાં ૨૫ ટન ડુંગળીનો સંગ્રહ ખેડૂતે કર્યો હતો. રવિવારે સાંજે જયારે તે સ્ટોર હાઉસ ખાતે ગયો ત્યારે એક લાખની કિંમતની ડુંગળીનો સ્ટોક ગાયબ થઈ ગયો હતો. આ બાબતે પોલીસે ખેડૂતની વિગતોને આધારે ફરિયાદ નોંધી છે. પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને આસપાસના સ્થાનિક બજારમાં તેમજ ગુજરાત સુધી તપાસનું પગેરું લંબાવ્યું છે. 

દરમિયાન બીજીતરફ દેવલા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ મુજબ ભૌર ગામના ખેડૂત વિષ્ણુ આહેરની ડુંગળીના જથ્થામાં કોઈ અજાણ્યા શખ્સે યુરિયા ભેળવી દીધું હોવાનું સામે આવ્યું છે. આ કૃત્યથી પાંચ લાખ મૂલ્યનો ૧૨૦ ટન ડુંગળીનો જથ્થો સડી ગયો હોવાનું ખેડૂતે ફરિયાદમાં જણાવ્યું હતું. બજારમાં ડુંગળીના છૂટક ભાવ ૭૦-૮૦ રૂપિયા પ્રતિ કિલોને આંબી ગયા છે. ડુંગળી પકવતા રાજયોમાં ભારે વરસાદને પગલે પાક બગડવા તેમજ ઓછો ઉતારો આવવાની સંભાવનાએ ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે.

(3:17 pm IST)