Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

રાજસ્થાનમાં હજુ સુધી ચોમાસાની વિદાયની સ્થિતિ સર્જાઇ નથી

રાજસ્થાનમાં સપ્ટેમ્બરના અંત કે ઓકટોબરના પ્રારંભે ચોમાસુ વિદાય લેશે : ૧ મહિનો મોડી વિદાય

મુંબઇ, તા. ર૪ : આ વર્ષે નૈઋત્યનું ચોમાસું બે અઠવાડીયા મોડું શરૂ થયેલ એ જ રીતે સપ્ટેમ્બર પોણો વીતી જવા છતાં ચોમાસું વિદાય લેવાનું નામ લેતું નથી. આ વર્ષે ચોમાસું પાછું ખેંચાવાનું ઓકટોબરના પ્રારંભ સુધી ખેંચાઇ જશે અને ત્યાં સુધી તડકા વચ્ચે પણ હળવો વરસાદ ચાલુ રહેવાના એંધાણ છે. કેરળમાં આ વર્ષે ૧ અઠવાડીયું અને કેરળમાં ર અઠવાડીયું ચોમાસુ મોડું શરૂ થયેલ. ત્યારે મુંબઇમાં રવિવાર સુધીમાં સીઝનનો ૧૪૪ ઇંચ પડી ગયો છે જે સીઝનનો ૧૪૩.૩પ ટકા જેવો છે. સરેરાશથી ઘણો વધુ છે. મોટાભાગે ૧ લી સપ્ટેમ્બરથી રાજસ્થાનથી ચોમાસાની વિદાય શરૂ થાય છે અને તબક્કાવાર રાજયોમાંથી પાછું ખેંચાતું જતું હોય છે, પરંતુ આ વર્ષે એવું બન્યું નથી. એટલું જ નહિ આગામી થોડા દિવસો સુધી ચોમાસું પાછું ખેંચાય તેવી હવામાન સ્થિતિ પણ દર્શાતી નથી.

સ્કાયમેટ વેધરના ઉપપ્રમુખ મહેશ પલાવતે કહ્યું હતું કે, આ વર્ષે ચોમાસુ મોડું વિદાય લેશે કેમ કે હજુ સુધી ભેજમાં ઘટાડો ન થયો હોવાથી રાજસ્થાનમાંથી ચોમાસું વિદાય થવાની પરિસ્થિતિ નથી ઉભી થઇ. રાજસ્થાનમાંથી ચોમાસુ ઓકટોબરના પહેલા સપ્તાહમાં વિદાય લે તેવી શકયતા છે અને ત્યારબાદ મહારાષ્ટ્ર સહિત દેશના અન્ય ભાગોમાંથી વિદાય લેશે.

બ્રિટનના હવામાન શાસ્ત્રી અક્ષય દેવરસના કહેવા અનુસાર ર૭ સપ્ટેમ્બર પછી ચોમાસું રાજસ્થાનમાંથી વિદાય લે તેવી શકયતા છે. જોકે તેની ઓફીશ્યલ જાહેરાત ઓકટોબરની શરૂઆતમાં થઇ શકે છે. આ વર્ષે ચોમાસાની વિદાય ૧ મહિનો મોડી થશે, જે સામાન્ય રીતે ૧ સપ્ટેમ્બરની આસપાસ થતી હોય છે.

દરમ્યાન, ભારતીય હવામાન વિભાગ દ્વારા રવિવારે બહાર પાડવામાં આવેલ પ્રેસરીલીઝમાં કહેવાયું હતું કે અરબ સાગરમાં ગુજરાત નજીક સર્જાયેલ હળવા દબાણના કારણે આગામી ર૪ કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. 

(1:17 pm IST)