Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

'હાઉડી મોદી' ની સફળતાથી ભારત વધુ આક્રમકઃ વિશ્વ સમક્ષ પુરાવા સાથે પાક.ને ઉઘાડુ પાડશે

યુનોમાં પાકિસ્તાનના ગાભા-છોતરા નીકળશેઃ મોદી નવા ધડાકા કરશે

નવી દિલ્હી તા. ર૪ :.. હાઉડી મોદી કાર્યક્રમને મળેલી જોરદાર સફળતા પછી હવે સંપૂર્ણ ફોકસ સંયુકત રાષ્ટ્ર મહાસતા ઉપર છે. સુત્રો અનુસાર, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇસ્લામિક આતંકવાદનો સીધો ઉલ્લેખ કર્યા પછી મોદી વધુ આક્રમક રીતે પાકિસ્તાન પર વધુ સાબીતીઓ સાથે પ્રહાર કરશે. વિદેશ મંત્રાલયના સુત્રોનું કહેવું છે કે ટ્રમ્પે જે પ્રકારે સ્પષ્ટ શબ્દોમાં ભારતના સ્ટેન્ડનો સ્વીકાર કર્યો તે સુખદ રીતે આશ્ચર્ય ચકિત કરનાર હતું.

રવિવારનો કાર્યક્રમ પુરો થયા પછી તરત જ વધુ આક્રમક રણનીતિ પર ચર્ચા કરાઇ છે. ભારત સંયુકત રાષ્ટ્રમાં પાકિસ્તાન વિરૂધ્ધ બધા પુરાવાઓ સાથે વાત કરી શકે છે, જેમાં સરહદની પેલી બાજુ ચાલી રહેલી આતંકની ફેકટરીઓનું આપ્યું ડોઝીયર છે, જેને વડાપ્રધાન સંયુકત રાષ્ટ્રમાં રજૂ કરીને દુનિયાને ચોંકાવી શકે છે. ઉલ્લેખનીય છે કે મોદી અને ટ્રમ્પ આજે ફરીથી મળવાનો છે. વડાપ્રધાન મોદી ટ્રમ્પને ભારતની મુલાકાત લેવા ઔપચારિક આમંત્રણ આપશે.

હ્યુસ્ટનમાં વડાપ્રધાને 'અબ કી બાર ટ્રમ્પ સરકાર' નો નારો આપ્યો હતો. જે બાબતે કોંગ્રેસે મોદી પર દેશની વિદેશનીતિના ઉલ્લંઘનનો આક્ષેપ કર્યો છે. સીનીયર નેતા આનંદ શર્માએ કટાક્ષ કરતા કહયું કે મોદી ભારતના વડાપ્રધાન તરીકે અમેરિકા ગયા છે, ટ્રમ્પના પ્રચારક તરીકે નહીં. વડાપ્રધાને અન્ય દેશોની ચૂંટણીમાં દખલ ન દેવાની ભારતીય વિદેશનીતિના સિધ્ધાંતનું સરાસર ઉલ્લંઘન કર્યુ છે.

દરમ્યાન, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાને સોમવારે રાત્રે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. ઇમરાને મીટીંગમાં કાશ્મીર મુદો ઉઠાવ્યો હતો. પાક પત્રકારો પણ કાશ્મીર મુદે આમ તેમ વાતો કરી રહ્યા હતા પણ ટ્રમ્પે તેમને બહુ મન આપ્યું ન હોતું. મધ્યસ્થતાની વાત નિકળી તો ટ્રમ્પે કહયું કે જો ભારત અને પાકિસ્તાન બન્ને સહમત થાય તો જ તે મધ્યસ્થી બનવા તૈયાર છે. એક પત્રકારે કહયું કે કાશ્મીરમાં પ૦ દિવસથી ઇન્ટરનેટ, ખાદ્ય પદાર્થો બધુ જ બંધ છે. તો ટ્રમ્પે ઇમરાનને કહયું કે આવા પત્રકાર તમે કયાંથી પકડી લાવો છો. કાલે મેં જયાં પ૯ હજાર લોકો હાજર હતા તે પ્રોગ્રામમાં એક કડક બયાન આપ્યું છે. તે હાઉડી મોદી કાર્યક્રમનો ઉલ્લેખ કરી રહ્યા હતાં.

(11:50 am IST)