Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

લ્યો, આ વળી નવું ગતકડું...!!

મોટરમાં એકસ્ટ્રા બલ્બ ના રાખ્યો હોય તો પણ દંડ ફટકારી શકાય!

નોઇડા : પોલીસ જો તમારી કાર રોકે અને હેડલાઇટનો એક વધારાનો બલ્બ ના હોય અને તમને દંડનું ચલણ પકડાવી દે તો નવાઇ ના પામતા. મોટર વ્હિકલ એકટ મુજબ કારની હેડલાઇટને એક વધારાનો બલ્બ રાખવો જરૂરી છે. સુધારેલો મોટર વ્હિકલ એકટ દિલ્હી સહિત દેશનાં મોટાભાગના રાજયોમાં અમલી બની ચૂકયો છે. ઉત્તર પ્રદેશમાં આ કાયદાનું જાહેરનામું બહાર નથી પડયું પરંતુ નવો કાયદો અનેક રાજયોમાં અમલી બન્યા પછી રોજ નવા નવા પ્રકારના દંડ ચલણ અપાઇ રહ્યા હોવાની હકિકત સામે આવી રહી છે. મોટર વ્હિકલ એકટને વાંચવામાં આવે તો કેટલાક નિયમો તો એવા છે કે તેના વિશે કદી સાંભળ્યું પણ ના હોય.

એક નિયમ એવો છે કે તમારા વાહનની હેડલાઇટ ભલે બરોબર હોય પરંતુ વાહનમાં એક એકસ્ટ્રા બલ્બ રાખવો જરૂરી છે. તેવું ના કરતાં મોટર વ્હિકલ એકટનું ઉલ્લંઘન માની શકાશે. રાતે હેડલાઇટ ખરાબ થાય અને બલ્બ બદલી શકાય તે હેતુસર આ જોગવાઇ કરવામાં આવી હોવાનું પણ પ્રસિધ્ધ થયું છે.

વાહનમાં સિગારેટ ના પી શકાય : નિયમ મુજબ જે વ્યકિત કાર ડ્રાઇવ કરી રહી હોય તે સિગારેટ ના પી શકે. એટલું જ નહીં તેની સાથે બેઠેલી કોઇ વ્યકિત પણ સિગારેટ પીતી હોય તો કાયદાના ભંગ બરોબર છે. અને તે બદલ પણ દંડ થઇ શકે છે. તેથી કાર ડ્રાઇવ કરતી વખતે ધ્યાન રાખવું રહ્યું કે કારમાં બેઠેલી કોઇ વ્યકિત ધુમ્રપાન ના કરે.

ડ્રાઇવરે પુરી બાંયનું શર્ટ ધારણ કરવું જરૂરી : કાર ચલાવતી વખતે ચાલકે પૂરી બાંયનું શર્ટ કે ટી શર્ટ ધારણ કરવું જરૂરી છે. તેવું ના કરતાં પણ દંડ થઇ શકે છે. નિયમ ભંગ કરનારને રૂપિયા ૧૦૦૦નો દંડ થઇ શકે છે. નિયમ મુજબ ટ્રક કે ટ્રેકટર જેવા ભારે વાહનો લુંગી બનિયાન ધારણ કરીને ચલાવી નહીં શકાય. એટલું જ નહીં સહાયક કે કંડકટર માટે પણ આ જ નિયમ છે.

બીમાર છો? ડ્રાઇવીંગથી દૂર રહો : શારીરિક કે માનસિક રૂપે તમે તંદુરસ્ત ના હોવ તો ગિયરયુકત વાહન નહીં ચલાવી શકો. બીમાર સ્થિતિમાં ડ્રાઇવીંગ કરતાં પણ રૂપિયા ૧૦૦૦નો દંડ થઇ શકે છે. આ નિયમ ભંગ બદલ પુર્વે દંડની રકમ ર૦૦ રૂપિયા હતી.

(11:49 am IST)