Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

૨૦ રૂપિયાની નવી નોટનું બંડલ ૨૦૦૦ ઉપર ૨૦૦ના કાળાબજાર

વર્ષોથી ચાલતા કાળા બજાર સામે તંત્રના આંખ મીચામણા

મુંબઈ, તા. ૨૪ :. આરબીઆઈ દ્વારા ૨૦ રૂપિયાની નવી નોટ બહાર પાડયાને એક મહિના કરતા વધુ સમય વિતી ગયો હોવા છતાં હજુ પણ સામાન્ય લોકો માટે ૨૦ રૂપિયાની એક નોટ મળવી મુશ્કેલ છે. જ્યારે કાળા બજારીયાઓ ૨૦ રૂપિયાની નોટનું એક બંડલ પર વધારાના ૨૦૦ રૂપિયા વસુલી રહ્યા છે.

શહેરની કેટલીક કો. ઓપરેટીવ બેંકમાં હજુ ૨૦ રૂપિયાની નોટની ફાળવણી કરવામાં આવી નથી. જ્યારે ખાનગી બેંકમાં ૨૦ રૂપિયાની નોટના બંડલની ફાળવણી કરી દેવામાં આવી છે. તેમાં રોજનું સારૂ એવુ ટર્નઓવર ધરાવનાર ગ્રાહકોને એક બંડલ સામેથી બેંક તરફથી આપવામાં આવી રહ્યુ છે. જ્યારે અન્ય બેંકમાં તો નોટની ફાળવણી જ કરવામાં આવી નહીં હોવાના કારણે તેઓ ગ્રાહકોને આપી શકતા નથી. તેની સામે કેટલાક કાળા બજારીયાઓ ૨૦ રૂપિયાના બંડલને બજારમાં ફેરવવાનું શરૂ પણ કરી દીધુ છે. તેમાં એક બંડલ પર ૨૦૦૦ ઉપરાંત વધારાના ૨૦૦ રૂપિયા સુધી વસુલાત કરવામાં આવતા હોવાની વિગતો જાણવા મળી છે. સામાન્ય લોકોને નવી નોટ જોવા હજુ સુધી મળતી નથી. જ્યારે કાળા બજારીયાઓ ખુલ્લેઆમ નોટના બંડલ વેચી રહ્યા છે. તેમજ તેમાંથી કમાણી પણ કરી રહ્યા છે ત્યારે આવા તત્વોને બેંકના કેટલાક અધિકારીઓની મિલીભગતમાં જ બહાર નોટ મળતી હોય છે. દર વખતે નવી નોટ બહાર આવતાની સાથે જ કાળા બજારીયાઓ સક્રીય થતાં હોય છે. તેમ છતાં વર્ષોથી આ બદી દૂર કરવા માટેના પ્રયાસો કરવામાં આવતા નથી. જેથી સામાન્ય લોકોએ ના  છૂટકે નવી નોટ મેળવવા માટે વધુ નાણા ચુકવવા પડતા હોય છે.(૨-૧)

 

(10:12 am IST)