Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

આજે ભારત-અમેરિકા વચ્ચે દ્વીપક્ષીય મંત્રણા

૩૬ કલાકમાં બીજી વખત મળશે મોદી-ટ્રમ્પઃ ત્રાસવાદ મામલે આપશે આકરો સંદેશઃ ભારતીય સમય મુજબ રાત્રે ૯.૪૫ કલાકે બન્ને મળશેઃ પરસ્પર સહકારના નવા ક્ષેત્રો ખુલશે

નવી દિલ્હી, તા. ૨૪ :. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત આજે ન્યુયોર્કમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થશે. આ બન્ને નેતાઓ ૩૬ કલાક પહેલા જ હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં મળ્યા હતા. હવે આજે આ નેતાઓ દ્વિપક્ષીય વાતચીત કરશે. ત્યાર પછી ભારત સંયુકત રાષ્ટ્રને ગાંધી સોલાર પાર્કની ભેટ આપશે. ભારતે પોતાના ખર્ચે સંયુકત રાષ્ટ્ર હેડ ઓફિસમાં સોલાર પ્લેટસ લગાવડાવી છે. તેનુ ઉદ્ઘાટન વડાપ્રધાન મોદી કરશે. ત્યાર પછી વડાપ્રધાન મોદીને ગ્લોબલ ગોલકીપર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ એવોર્ડ તેમને બીલ એન્ડ મેલીન્ડા ગેટસ ફાઉન્ડેશન દ્વારા અપાશે.

અમેરિકામાં મોદીનું આજનું શેડયુલ બહુ ભરચક્ક છે. ભારતીય સમય અનુસાર ૯.૪૫ વાગ્યે રાત્રે વડાપ્રધાન રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળશે. તે વખતે અમેરિકામાં બપોરના સવા બાર વાગ્યા હશે. આ મીટીંગમાં ભારત-અમેરિકા આતંકવાદ અંગે ફરીથી પોતાનું કઠોર વલણ દુનિયા સામે રાખશે. ભારતીય સમય અનુસાર રાત્રે પોણા અગીયાર વાગ્યે વડાપ્રધાન મોદી સંયુકત રાષ્ટ્ર દ્વારા રાષ્ટ્રાધ્યક્ષો માટે આયોજીત લંચમાં ભાગ લેશે. ભારતીય સમય અનુસાર ૨૫ તારીખની રાતના ૧ વાગ્યે મોદી ઈન્ડીયા પેસીફીક આઈલેન્ડ લીડર્સ મીટીંગમાં જોડાશે.

ભારતીય સમય અનુસાર ૨૫ તારીખના સવારે ૪ વાગ્યે વડાપ્રધાન મોદી મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતી પ્રસંગે ઉજવાનાર કાર્યક્રમમાં ભાગ લેશે. સવારે ૫ વાગીને ૪૦ મીનીટે વડાપ્રધાન મોદીને ગ્લોબલ ગોલડીપર એવોર્ડ ૨૦૧૯થી સન્માનિત કરવામાં આવશે. આ એવોર્ડ તેમને બીલ એન્ડ મેલીંડા ગેટસ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવી રહ્યો છે.(૨-૨)

(10:11 am IST)