Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ડ્રાઈવિંગ સમયે ફૂલ બાંયનો શર્ટ નહીં પહેર્યો હોય તો પણ મળી શકે છે મેમો

કેટલાક એવા નિયમ પણ છે કે, જેના વિશે ભાગ્યે જ લોકોને ખબર હશે, પરંતુ, જો તમે તેનું પાલન ન કર્યુ હોય તો, તમને પણ મેમો મળી શકે છે

નવી દિલ્હી, તા.૨૪: નવા મોટર વ્હીકલ એકટ મોટાભાગના રાજયોમાં લાગુ કરી દેવામાં આવ્યો છે. આ નવા મોટર વ્હીકલ એકટ લાગુ થયા બાદ અલગ અલગ રાજયોમાંથી વિવિધ પ્રકારના મેમાની જાણકારી સામે આવી રહી છે. પરંતુ એનબીટી અનુસાર, કેટલાક એવા નિયમ પણ છે કે, જેના વિશે ભાગ્યે જ લોકોને ખબર હશે. પરંતુ, જો તમે તેનું પાલન ન કર્યું હોય તો, તમને પણ મેમો મળી શકે છે.

જો તમે ગાડી ચલાવી રહ્યા છો અને ફૂલ બાંયનો શર્ટ ન પહેર્યો હોય તો, થોડા સાવધાન થઈ જાઓ કેમ કે, નહી તો તમને મેમો આપવામાં આવી શકે છે, અને તેના માટે તમારે ૧૦૦૦ રૂપિયાની રકમ ચૂકવવી પડી શકે છે.

તમારી ગાડીમાં એકસ્ટ્રા બલ્બ રાખવો જરૂરી છે. જો આ સુવિધા ન કરી હોય તો મોટર વ્હીકલ એકટનું ઉલ્લંઘન માનવામાં આવશે. આ જોગવાઈ એટલા માટે છે કારણ કે, જો રાત્રે ડ્રાઈવ કરતા સમયે હેડલાઈટ ખરાબ થઈ જાય તો, તે બદલી શકાય.

ગાડીમાં ડ્રાઈવર સિવાય કોઈ અન્ય પણ સિગરેટ ન પી શકે

માત્ર ડ્રાઈવર જ નહી પરંતુ ગાડીમાં બેઠેલું કોઈ અન્ય વ્યકિત પણ સિગરેટ ન પી શકે. કેમ કે, મોટર વ્હીકલ એકટ હેઠળ આને ઉલ્લંદ્યન માનવામાં આવે છે. તમને મેમો મળી શકે છે.

ટ્રક, ટ્રેકટર જેવા કોમર્શિયલ વાહનો પર તમે હંમેશા જોયુ હશે કે, ડ્રાઈવર અથવા તેનો સહાયક લુંગી-બંડી પહેરેલો જોવા મળશે. પરંતુ, આ ગેરકાયદેસર છે. માત્ર ડ્રાઈવર જ નહી પરંતુ કન્ડકટર પણ લુંગી બંડી પહેરે તો મોટર વ્હીકલ એકટ વિરુદ્ઘનું કહેવાય છે.

જો તમારી ગાડીનો કાચ ગંદો હોય અને જો તમે સારી રીતે જોઈ નથી શકતા તો પણ મેમો ફાટી શકે છે. જો તમારી ગાડીનો કાચ તૂટેલો હોય તો પણ બીજાના જીવને ખતરો થઈ શકે છે. જેથી તમને મેમો આપવામાં આવી શકે છે.

શારીરિક કે માનસિક રીતે તમે બિમાર હોય તો, ગિયર યુકત ગાડી ન ચલાવી શકો. જો તમે બિમાર હોય અને ડ્રાઈવિંગ કરો તો ૧૦૦૦ રૂપિયાનો દંડ આપવામાં આવી શકે છે. જોકે, દંડની આ રકમ પહેલા ૨૦૦ રૂપિયા હતા, જે બાદમાં વધારી દેવામાં આવી છે.

(10:10 am IST)