Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

નાસિકમાં બેફામ વરસાદના પગલે ડુંગળીનો પાક નાશ પામ્યો : ભાવમાં ભડકો : કિલોના ૭પ રૂપિયા

કોથમીર ૧૩૦એ પહોંચ્યું : ટામેટાનો કિલોનો ભાવ ૭પ સુધી પહોંચી ગયો

અમદાવાદ, તા. ર૪ : લીલા શાકભાજીના ભાવમાં ભડકો સતત ચાલુ રહ્યો છે. બીજી તરફ નાસિકમાં વધુ વરસાદને લીધે ડુંગળીનો પાક નાશ પામ્યો છે. જેના લીધે ડુંગળીની અછત ઉભી થઇ છે. ડુંગળીના આવક ઓછી થતા સામાન્ય દિવસોમાં રૂ.૧પ કિલો મળતી હતી તે વધીને રૂ.૭પ કિલો થઇ ગઇ છે. લીલા શાકભાજીની સાથે રસોઇને સ્વાદિષ્ટ બનાવવા વપરાતા કોથમીર રૂ.૪૦માં મળતી જે અત્યારે રૂ.૧૩૦ કિલો થઇ ગઇ છે. રૂ.૧પના કિલો મળતા ટામેટાના રૂ.૭પના કિલો થઇ ગયા છે. જયારે લીંબુના રૂ.૧૩૦ અને આદું રૂ.૧૬૦નું કિલો છૂટક વેચાણ થઇ રહ્યા છે. લીલા શાકભાજી રૂ.૮૦થ રૂ.૧ર૦ના કિલો થઇ ગયા છે. જેના લીધે ગુજરાતી થાળીમાંથી લીલા શાકભાજી ગાયબ થયા છે. ૧૦ કિલો મળતી દૂધી રૂ. ૬૦ કિલો થઇ ગઇ છે.

સામાન્ય દિવસોમાં ૧૪ થી ૧પ કિલો મળતી ડુંગળી રૂ.૭પ કિલો, કોથમીર રૂ.૧૬૦ કિલો, ટામેટા રૂ.૭૦, વટાણા રૂ.ર૦૦, લીંબુ ૧ર૦ કિલો થઇ ગયા છે. જયારે રૂ.૧૦ કિલો મળતી દૂધી ૬૦ કિલો, લીલા મરચા રૂ.૭૦ કિલો થઇ ગયા છે. લીલા શાકભાજીના ભાવોમાં રૂ.૩પ થી પ૦નો ઉછાળો આવી ગયો છે. લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચવાથી ગૃહિણીઓના રસોડાના બજેટ ખોરવાઇ ગયા છે. આદું અને ફુદીનાના ભાવ પણ આસમાને પહોંચતા ચોમાસાની વહેલી સવારની ચાનો ભાવ પણ બગડયો છે. ફુલાવર રૂ.ર૦ કિલો મળતું હતું તે વધીને રૂ.૧૧૦ થયા છે. જયારે લીમડો રૂ.૯૦, સરગવો, ૧ર૦, પાલકની ભાજી રૂ.૮૦ કિલો થઇ ગયા છે.

જમાલપુર શાકમાર્કેટમાં ઓછા ભાવે શાકભાજી મળે છે, પરંતુ તેના બમણાં ભાવ સેમી હોલસેલ માર્કેટમાં વસુલાતા હોઇ શાકભાજીના વેપારીઓએ સિન્ડીકેટ રચી ભાવ વધારાનો કારણો કર્યાનું લોકો માની રહ્યા છે. ગૃહિણીઓ શાકભાજી ખરીદતા કકળાટ કરી રહી છે કે મોંઘવારી આકરી પડે છે, પણ તંત્ર કંઇ કરતું નથી. મોંઘવારી ઘટવાનું નામ લેતી નથી. જેના લીધે શાક ઓછું લાવીને ખાવાનો વારો આવ્યો છે. શાકની જગ્યાએ કેટલીકવાર રસોઇમાં કઠોળ બનાવવામાં આવતું હતું. હોટેલ રેસ્ટોરન્ટમાં ફિકસ થાળીમાંથી લીલા શાકભાજીને બદલે સસ્તા કઠોળ અથવા સસ્તા મળતા શાક પીરસવામાં આવી રહ્યું છે. શહેરની કેટલીક હોટલોમાં ફિકસ થાળીના ભાવો વધારી દેવામાં આવ્યા હોવાનું પ્રસિદ્ધ થયું છે.(૮.૪)

(10:07 am IST)