Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

દેશના ચોકીદાર ચોરી કરી રહ્યા છે : રાહુલનો આક્ષેપ

અમેઠીમાં પહોંચેલા રાહુલ ગાંધીના તીવ્ર પ્રહારો : રાફેલ કરારમાં સીવીસી તપાસ કરે તેમજ એફઆઈઆર દાખલ કરાવે તે જરૂરી છે : રાહુલ ગાંધી દ્વારા માંગ કરાઈ

અમેઠી, તા. ૨૪ : ભાજપ સરકારને સતત રાફેલ ડિલના મુદ્દા ઉપર મુશ્કેલીમાં મુકી રહેલી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ફરી એકવાર વડાપ્રધાન મોદી અને ભાજપ ઉપર પ્રહાર કરતા નજરે પડ્યા હતા. પોતાના સંસદીય મતવિસ્તાર અમેઠીમાં પહોંચેલા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ઉદ્યોગપતિ અનિલ અંબાણીને રાફેલ ડિલની સહાયતા પહોંચાડવાનો આક્ષેપ કર્યો હતો. રાહુલે કહ્યું હતું કે, અંબાણીએ જીવનમાં કોઇપણ વિમાન બનાવ્યું નથી છતાં તેમને રાફેલ ડિલનો હિસ્સો બનાવી દેવામાં આવ્યો હતો. રાહુલે કહ્યું હતું કે, સીવીસી રાફેલ ડિલના મામલામાં તપાસ કરે તે જરૂરી છે. તપાસ માટે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી શકે છે. પોતાના સંસદીય ક્ષેત્ર અમેઠીના જાયસમાં લોકોને સંબોધતા રાહુલે કહ્યું હતું કે, મોદી પોતાને ચોકીદાર તરીકે ગણાવે છે અને રાફેલના મુદ્દા ઉપર મૌન પાળે છે. અહીં દેશના ચોકીદાર જ ચોર બની ગયા છે. કોંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે, તેમની સરકારે માલ્યાને ૯૦૦૦ કરોડ રૂપિયા લઇને ભાગવામાં મદદ કરી હતી. નિરવ મોદી અને મેહુલ ચોક્સીને ફરાર કરવામાં મદદ કરી હતી. એકબાજુ સંરક્ષણ મંત્રી વિમાનની કિંમત બતાવવાનો ઇન્કાર કરે છે જ્યારે મોદી અનિલ અંબાણીની કંપનીને કોન્ટ્રાક્ટ આપીચુક્યા છે. રિલાયન્સનું નામ દેતા રાહુલ કહે છે કે, એનડીએ દ્વારા અનિલ અંબાણીને ૨૦૦૦૦ કરોડ રૂપિયાનો ફાયદો પહોંચાડ્યો છે. જનતાના પૈસા લુંટીને અંબાણીને આપવામાં આવી રહ્યા છે. પ્રશ્ન કરવામાં આવતા જવાબ આપતા નથી. મોદીએ દર વર્ષે બે કરોડ લોકોને રોજગારી આપવાની વાત કરી હતી. ખેડૂતોને યોગ્ય નાણાં ચુકવવાની વાત કરી હતી. ૧૫ લાખ રૂપિયા દરેકના ખાતામાં આપવાની વાત કરી હતી. એક મંત્રી કહે છે કે, દરેક ૨૪ કલાકમાં ૪૫૦ યુવાનોને રોજગારી મળી રહી છે. ફ્રાંસના પૂર્વ પ્રમુખ કહે છે કે, અનિલ અંબાણીને કોન્ટ્રાક્ટ તેમના તરફથી આપવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં દેશના ચોકીદારે શું કર્યું છે તે બાબત દેશને સમજવાની જરૂર છે. મોદી પર પ્રહાર કરતા રાહુલે કહ્યું હતું કે, ૫૨૬ કરોડ રૂપિયાના જેટ વિમાનને ૧૬૦૦ કરોડ રૂપિયામાં ખરીદવા માટેનું શું કારણ હતું. દેવાળુ ફુંકી ચુકેલી કંપનીને કોન્ટ્રાક્ટ કેમ આપવામાં આવ્યો હતો. ૧૦ દિવસ પહેલા ઉભી કરવામાં આવેલી કંપનીને એચએએલ પાસેથી કોન્ટ્રાક્ટ આંચકીને તેમને કેમ આપવામાં આવ્યો તે પ્રશ્ન લોકો કરી રહ્યા છે. વિજય માલ્યા ૯૦૦૦ કરોડ રૂપિયાની ચોરી કરી ચુક્યા છે.

અમેઠી ખાતે રાહુલ ગાંધીનું કાવડિયાઓ દ્વારા સન્માન

બમ બમ ભોલેના જયઘોષ

અમેઠી, તા. ૨૪ : વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી નજીક આવી પહોંચી છે ત્યારે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી કોઇપણરીતે લોકપ્રિયતા મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે. કૈલાશ માનસરોવર યાત્રા બાદ પ્રથમ વખત રાહુલ ગાંધી પોતાના સંસદીય મતવિસ્તાર અમેઠીમાં પહોંચ્યા હતા જ્યાં આ આ ગાળા દરમિયાન રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલે ભગવાન શિવમાં અમેઠીમાં પૂજા અર્ચના કરી હતી. આ ગાળા દરમિયાન કાવડિયાઓને મળ્યા હતા અને તેમનું અભિવાદન કર્યું હતું. આયોજન સ્થળ ઉપર કાવડિયા પણ રાહુલ ગાંધીને મળવા માટે ઉત્સુક દેખાયા હતા. રાહુલ ગાંધી પૂજામાં વ્યસ્ત નજરે પડ્યા હતા. પૂજાવિધિ પૂરી થયા બાદ કાવડિયા સંઘ તરફથી ભગવાન શિવના સ્મૃતિચિન્હ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને આપવામાં આવ્યા હતા. થોડાક દિવસ પહેલા અલ્હાબાદમાં કોંગ્રેસ નેતાઓએ મિડિયા પર પોસ્ટર જારી કર્યું હતું જેમાં રાહુલને શિવભક્ત તરીકે દર્શાવાયા હતા.

(7:31 pm IST)