Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

માલિકે લોન ન આપતા દિલ્‍હીમાં કર્મચારીઅે ૭૦ લાખની ચોરી કરીઃ લૂંટારૂ સાથે લડનાર કર્મચારીને ઇનામમાં મળ્યુ અેક જ ટી-શર્ટ

નવી દિલ્હી- પોતાના માલિકની પૈસા ભરેલી બેગ લઈને ભાગી રહેલા લૂંટારુઓ સાથે લડનાર કર્મચારીને ઈનામમાં માત્ર એક ટી-શર્ટ મળી. ઈનામથી ગુસ્સે ભરાયેલા ધાન સિંહ બિશ્ત નામના કર્મચારીએ પોતાના મિત્ર યાકુબ સાથે મળીને પ્લાન બનાવ્યો અને માલિકના 70 લાખ રુપિયા લઈને નૈનિતાલ ફરાર થઈ ગયો.

નૈનિતાલથી દિલ્હી પુરાવાનો નાશ કરવા પાછા આવેલા યાકુબની જ્યારે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી ત્યારે આખી વાતનો ખુલાસો થયો. યાકુબે જણાવ્યું કે, બિશ્તના માથા પર દેવુ હતું અને તેણે પોતાના માલિક પાસે લોન માંગી હતી પરંતુ તેમણે મનાઈ કરી દેતા ચોરીનો પ્લાન બનાવ્યો.

એડિશનલ કમિશનર રાજીવ રંજને જણાવ્યું કે, પહેલા તો યાકુબે અમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો. પરંતુ પછી સ્વીકાર્યું કે તેણે બિશ્ત પાસેથી પ્લાનમાં મદદ કરવા બદલ ચાર લાખ રુપિયા લીધા છે. યાકુબે પોલીસને જણાવ્યું કે, બિશ્ત અવારનવાર તેની સામે તેણે માલિકના પૈસા બચાવ્યા તે વાતનો ઉલ્લેખ કર્યો હતો. એકવાર તે 80 લાખ રુપિયા લઈને જઈ રહ્યો હતો, અને અમુક લૂંટારુઓએ તેને લૂંટવાનો પ્રયાસ કર્યો. જો કે તેણે લૂંટારુઓનો સામનો કર્યો અને ઈજાગ્રસ્ત પણ થયો. તેને હતું કે માલિક તેને ઈનામમાં થોડા પૈસા આપશે, પણ તેણે માત્ર એક ટી-શર્ટ આપી.

બિશ્તનો પ્લાન હતો કે તે પોતાની 3 દીકરીઓને પરણાવશે, પરંતુ ઈજાને કારણે તે પથારીવશ થઈ ગયો. તેણે પોતાનો પ્લાન યાકુબને જણાવ્યો કે હવે જ્યારે તેનો એમ્પલોયર પૈસા ડિપોઝીટ કરવા આપશે તે પૈસા લઈને ફરાર થઈ જશે. 28 ઓગસ્ટના રોજ જ્યારે તેને કસ્ટમર પાસેથી પૈસા લેવા મોકલ્યો, તેણે યાકુબનો સંપર્ક કર્યો. બિશ્તે યાકુબની દુકાન પાસે પોતાની બાઈક પાર્ક કરી અને યાકુબની કાર લઈને નૈનિતાલ જતો રહ્યો. બિશ્તને નૈનિતાલ મુકીને યાકુબ જ્યારે દિલ્હી પાછો આવ્યો, તેણે બિશ્તની બાઈક વેચી કાઢી. તે બાઈક વેચીને જ્યારે નૈનિતાલ પાછો ફરી રહ્યો હતો પોલીસે તેને પકડી લીધો.

(5:11 pm IST)